શિવસેના સાથે ક્યારેય અમારી દુશ્મની નહોતીઃ ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરે સરકારની પર વારંવાર તીખા પ્રહાર કરતા રહે છે, પણ હાલના દિવસોમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે અંતર ઘટ્યા પછી તેમણે એ બધાને ચોંકાવી દીધા હતા કે શિવસેના તેમની દુશ્મન નથી, જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે શું બંને પક્ષો ફરી એકસાથે આવવાની સંભાવના છે? તો તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે સ્થિતિને લઈને ઉચિત નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે અમે (શિવસેના અને ભાજપ) ક્યારેય દુશ્મન નહોતા રહ્યા. તેઓ અમારા મિત્ર હતા અને જે લોકોની સામે લડાઈ લડી, તેમણે તેમની સાથે મળીને સરકાર બનાવી અને અમને છોડી દીધા. રાજકારણમાં અગર-મગર નથી હોતું. વર્તમાન સ્થિતિઓ અનુસાર નિર્ણય લેવામાં આવે છે.

ગયા મહિને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે થોડીક મિનિટો એકલામાં વાતચીતને લઈને રાજકારણની ગલીઓમાં અનેક સમાચારો વહેતા થયા હતા. ઠાકરેએ મિડિયાને જણાવ્યું હતું કે તેમની વચ્ચે મરાઠા આરક્ષણને મુદ્દે વાતચીત થઈ હતી.

આ સપ્તાહે NCP પ્રમુખ્ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઈ હતી. એ દરમ્યાન કેબિનેટ પ્રધાન જિતેન્દ્ર અવ્હાડ, ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલ અને આદિત્ય ઠાકરે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપના એકસાથે આવવાની અટકળોને લઈને શિવસેનાના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે અમે ભારત-પાકિસ્તાન નથી. અભિનેતા આમિર ખાન અને કિરણ રાવના સંબંધ જુઓ, એ પ્રકારના સંબંધો છે. ભલે અમારા રાજકીય રસ્તા અલગ છે, પરંતું દોસ્તી હંમેશાં રહેશે.