મુંબઈ – દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યોની આજે અહીં બેઠક મળી હતી જેમાં તેમણે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસના મતદાનમાં જીત મેળવવા માટેની વ્યૂહરચના પર ચર્ચા કરી હતી. જોકે વિશ્વાસનો મત ક્યારે લેવાનો રહેશે એ તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે શનિવારે ફડણવીસની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજીત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
મુંબઈમાં ભાજપના કાર્યાલયમાં ભાજપના વિધાનસભ્યોની બેઠક પૂરી થયા બાદ વિધાનસભ્ય આશિષ શેલારે પત્રકારોને કહ્યું હતું કે આજની બેઠકમાં અમે એવી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી અને નિર્ણય લીધો હતો કે જેથી વિશ્વાસના મત વખતે આસાનીથી જીત મેળવી શકાય.
વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનાર દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપતો એક ઠરાવ પણ પાસ કર્યો હતો.
શેલારે કહ્યું કે આજની બેઠકમાં અમારી પાર્ટીના તમામ વિધાનસભ્યો હાજર રહ્યા હતા. ભાજપને ટેકો આપનાર અપક્ષ વિધાનસભ્યોની બેઠક કોઈક અન્ય સ્થળે યોજવામાં આવશે.
એનસીપીના વિધાનસભ્ય અજીત પવારના જૂથે ટેકો આપતાં ફડણવીસે શનિવારે સવારે 8 વાગ્યે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એ પહેલાં મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું હતું.
એનસીપીના પ્રમુખ શરદ પવારે જોકે શનિવારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે સરકાર રચવા માટે ભાજપના ફડણવીસને ટેકો આપવાનો અજીત પવારનો નિર્ણય એમનો અંગત છે, એનસીપીનો નથી.
અજીત પવારે એવો દાવો કર્યો હોવાનું કહેવાય છે કે એમની પાસે 36 વિધાનસભ્યો છે, પણ સામે છેડે શરદ પવારે દાવો કર્યો છે કે પક્ષના 54માંથી 49 વિધાનસભ્યો એમની સાથે છે. આમ, ફડણવીસ-અજીત શપથવિધિએ વિવાદ જગાવ્યો છે.
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કોઈ પક્ષ કે પક્ષોના જોડાણે પોતાને 145 વિધાનસભ્યોનો ટેકો છે એ પુરવાર કરવું પડે. ભાજપે 105 સીટ જીતી છે, શિવસેનાએ 56, એનસીપીએ 54, કોંગ્રેસે 44 સીટ જીતી છે. અન્ય પક્ષોના ઉમેદવારો અને અપક્ષોએ 28 સીટ પર કબજો લીધો છે.