મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય ફેરફારઃ ફડણવીસ, અજીત પવારે શપથ લીધા

મુંબઈ – મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સરકાર રચવા અંગેના રાજકીય નાટકમાં આજે સૌથી મોટો, આશ્ચર્યજનક અને નાટ્યાત્મક વળાંક આવ્યો છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે અહીં રાજભવન ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ફરી સોગંદ લીધા છે.

ફડણવીસ સાથે નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજીત પવારે શપથ લીધા છે. પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા છે અને પક્ષના પ્રમુખ શરદ પવારના ભત્રિજા છે.

મહારાષ્ટ્રમાં એક મહિનાથી રાષ્ટ્રપતિ શાસન છે. ફડણવીસે આ સતત બીજી વાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે.

આ બંને નેતાને રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

હજી ગઈ કાલ સુધી એવી ચર્ચા હતી કે શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સંયુક્ત સરકાર બનાવવા માટે સહમતિ સધાઈ છે અને તેઓ સરકાર રચવાની પ્રક્રિયાને આરે આવી ગયા છે.

પરંતુ, આજે સવારે અચાનક ફડણવીસ અને પવારે શપથ લેતા રાજ્યના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફડણવીસ અને અજીત પવારને અનુક્રમે મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ આપ્યા છે.

શપથ લીધા બાદ ફડણવીસે પત્રકારોને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના લોકોને સ્થિર સરકાર આપવા પહેલેથી જ ઈચ્છતી હતી. ભાજપની સાથીદાર શિવસેના પાર્ટીએ જનતાનાં ચુકાદાનું પાલન કર્યું નહોતું. હું એનસીપીનો આભાર માનું છું કે એણે આ સરકાર રચવા માટે ટેકો આપ્યો.

અજીત પવારે કહ્યું કે, ચૂંટણીનું પરિણામ આવ્યું એ દિવસથી કોઈ પણ પાર્ટી સરકાર રચવા માટે સમર્થ નહોતી. મહારાષ્ટ્રમાં કિસાનોની તકલીફો સહિત બીજી ઘણી સમસ્યાઓ છે. તેથી અમે સ્થિર સરકાર રચવાનો નિર્ણય લીધો છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને ફડણવીસ અને પવારને અભિનંદન આપ્યા છે.

ગયા મહિને યોજાઈ ગયેલી મહારાષ્ટ્ર વિધાનસભા (કુલ 288 સીટ)ની ચૂંટણીમાં ભાજપ 105 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. શિવસેનાએ 56, એનસીપીએ 54, કોંગ્રેસે 44 તથા અન્ય પક્ષોના ઉમેદવારો અને અપક્ષોએ 28 સીટ જીતી હતી.