શિવસેના, NCP, કોંગ્રેસના ગઠબંધને 162 ધારાસભ્યોની સહી સાથેનો પત્ર રાજ્યપાલને આપ્યો

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીએ અજીત પવારની સાથે મળીને સ્થાપિત કરેલી સરકાર ગેરકાયદેસર હોવાનો આક્ષેપ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે કર્યો છે.

ત્યારબાદ આજે આ 3 પક્ષોએ રચેલા જોડાણ – ‘મહાવિકાસ આઘાડી’ (MVA)ના નેતાઓએ આજે અહીં રાજભવન ખાતે જઈને સરકાર રચવાનો દાવો કરી દીધો છે.

મહાવિકાસ આઘાડીના નેતાઓએ રાજ્યપાલને 162 વિધાનસભ્યોની સહીવાળો પત્ર સુપરત કર્યો હતો. એમણે રાજ્યપાલને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જો વિધાનસભામાં બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ જાય તો અમને સરકાર રચવાનું આમંત્રણ આપજો.

આ પત્રમાં એનસીપી પાર્ટીના અજીત પવારને બાદ કરતાં 53 વિધાનસભ્યોની સહી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ, શિવસેના વિધાનસભા પક્ષના નેતા એકનાથ શિંદે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બાળાસાહેબ થોરાતે રાજભવનમાં જઈને પત્ર સુપરત કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધિત પણ કરી હતી.

એમણે કહ્યું કે રાજ્યપાલ કહેશે ત્યારે અમે અમારા તમામ 162 વિધાનસભ્યોને એમની સમક્ષ પ્રસ્તુત કરીશું. અમે એ વિશે એમને જણાવી પણ દીધું છે.

જયંત પાટીલે પત્રકારોને કહ્યું કે, અમે રાજ્યપાલને 162 વિધાનસભ્યોની સહીવાળો પત્ર સુપરત કર્યો છે. પોતાની પાસે સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ નથી એવું કહીને ભાજપે અગાઉ સરકાર રચવાની અસમર્થતા બતાવી હતી અને એ પછી અચાનક દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ લીધા. પરંતુ ફડણવીસ બહુમતી સિદ્ધ કરી શકવાના જ નથી. ભાજપ અસમર્થ ઠરે તો શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ.

પાટીલે કહ્યું કે રાજ્યપાલને સુપરત કરાયેલા પત્રમાં એનસીપીના 53 વિધાનસભ્યોની સહી છે.

શિવસેનાનાં એકનાથ શિંદેએ કહ્યું કે અમે અગાઉ રાજ્યપાલને કહ્યું હતું કે અમને અમારા વિધાનસભ્યોની સહીવાળો પત્ર સુપરત કરવા માટે થોડોક વધારે સમય આપો, પણ એમણે અમારી માગણી નકારી કાઢી હતી. ઊલટાનું, એ પછી જે ઘટના બની એનાથી લોકશાહીનું અપમાન જ થયું, લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરાયો.