મુંબઈઃ લક્ઝરી ક્રૂઝ જહાજ પરની પાર્ટી વખતે ડ્રગ્સ મળી આવ્યા બાદ ધરપકડ કરાયેલા આર્યન ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) કસ્ટડીની મુદત આજે પૂરી થાય છે. બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો 23 વર્ષીય પુત્ર જામીન પર છૂટવા માટે આજે અરજી કરશે. કોર્ટ અગાઉ એક વાર આર્યનની જામીન અરજીને નકારી ચૂકી છે. એના વકીલ આજે ફરી એ માટે અરજી કરશે. આ કેસમાં એનસીબી એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 16 જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક વિદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે. ગઈ 4 ઓક્ટોબરે એનસીબીના વકીલે એસ્પ્લેનેડ કોર્ટના જજને કહ્યું હતું કે વોટ્સએપ ચેટ્સ પરથી માલૂમ પડ્યું હતું કે આર્યન ખાન તથા પકડાયેલા અન્યોએ ડ્રગ્સના દાણચોરો સાથે ચર્ચા કરી હતી તેથી એમને કસ્ટડીમાં લઈને કેસ વિશે પૂછપરછ કરવાની જરૂર છે. કોર્ટે ત્યારે તમામ આરોપીઓની કસ્ટડી મુદત 7 ઓક્ટોબર સુધી લંબાવી આપી હતી.
આર્યન ખાનના વકીલ સતિષ માનશિંદેએ એનસીબીએ કરેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ડ્રગ્સના દાણચોરો સાથે આર્યનના કોઈ સંપર્ક નથી. ગોવા જતા લક્ઝરી જહાજ પરની પાર્ટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે આર્યન પાસેથી ડ્રગ્સ મળી આવી નહોતી. એનસીબીએ માત્ર વોટ્સએપ ચેટ્સના આધારે જ કેસ કર્યો છે. આર્યનને જહાજ પર એક મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. એને એકેય સીટ કે કેબિન ફાળવવામાં આવી નહોતી. એનસીબીના મુંબઈ વિભાગના ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું છે કે આ કેસમાં કેટલીક કડીઓ બિટકોઈન સોદાઓ સાથે જોડાયેલી છે.