ક્રૂઝ-પર-ડ્રગ્સ કેસઃ આર્યન 11-ઓક્ટોબર સુધી અદાલતી કસ્ટડીમાં

મુંબઈઃ ગોવા જતું એક લક્ઝરી ક્રૂઝ જહાજ મુંબઈના કાંઠા નજીક હતું ત્યારે એમાં આયોજિત એક પાર્ટી વખતે પાડવામાં આવેલા દરોડામાં કથિતપણે ડ્રગ્સ સાથે પકડાયેલા આર્યન ખાન તથા અન્ય સાત આરોપીઓને અહીંની એક અદાલતે આજે 11 ઓક્ટોબર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી દીધા છે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન તથા અન્યોની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની કસ્ટડી આજે સમાપ્ત થતાં એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે સુનાવણી વખતે કહ્યું કે આરોપીઓ વિશેની તપાસ હજી મૌન છે. તપાસ માટે આરોપીઓને કસ્ટડીમાં લેવાનો એનસીબીને અધિકાર છે એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ આરોપીઓને કોઈ જરૂર વગર એનસીબીની કસ્ટડીમાં રીમાન્ડ પર મોકલી દેવા એ તેમના બંધારણીય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું ગણાશે.

એનસીબી વતી હાજર થયેલા એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંઘે કહ્યું હતું કે આમાં કોઈ એક કેસની વાત નથી. અમે આખું કાવતરું અને સોદો ઉઘાડાં પાડવા માગીએ છીએ. એનસીબી એજન્સીનો ઉદ્દેશ્ય ખરા ગુનેગાર અને આખી ટોળકીને શોધી કાઢવાનો છે. નહીં તો આ બધું ચાલતું જ રહેશે.

દરમિયાન, આર્યન ખાને જામીન માટે નોંધાવેલી અરજી પર અહીંની એસ્પ્લેનેડ કોર્ટ આવતીકાલે સવારે 11 વાગ્યે સુનાવણી કરશે. કોર્ટે ત્યાં સુધીમાં એનસીબી એજન્સીને પોતાનો ઉત્તર નોંધાવવા કહ્યું છે.