બધા મંદિરો ખુલવા જ જોઈએઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના આદેશની અવગણના કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે – MNS) પક્ષના કાર્યકર્તાઓએ મુંબઈ અને પડોશના થાણે શહેરમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મટકી (દહીહાંડી) ફોડતાં પોલીસે અનેક કાર્યકર્તાઓ સામે ગુનો નોંધ્યો છે. એને કારણે પક્ષના પ્રમુખ રાજ ઠાકરે ગુસ્સે થયા છે અને પત્રકાર પરિષદ બોલાવીને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

રાજ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં લગભગ બધું જ શરૂ કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર યાત્રાઓ નીકળે છે, સભાઓ યોજાય છે – એમાં કોરોના ફેલાતો નથી, પણ અમુક ઉત્સવ આવે કે કોરોના ફેલાય છે. આજનો દિવસ જવા દો. પછી હું મારા તમામ કાર્યકર્તાઓની બેઠક કરીશ. એમાં અમે આ વિશે ચર્ચા કરીશું. બધા મંદિરો ખુલવા જ જોઈએ, નહીંતર બધા મંદિરોની બહાર ઘંટનાદ કરીશું.