ટ્રોમા સેન્ટરની સામે ‘ઉદારતાના દાતાઓ’નું હોર્ડિંગ લગાવાયું

અમદાવાદઃ પદ્મશ્રી સ્વર્ગીય ડો. એચ. એલ. ત્રિવેદીની આજે જન્મજયંતી છે, જેમણે પોતાનું આખું જીવન ગરીબ દર્દોની સેવામાં વ્યતીત કર્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના પ્રી-ટ્રાન્સપ્લાન્ટ યુનિટના બહારના પ્રવેશ પર વિશાળ હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે, જેથી આ હોર્ડિંગ એ સેંકડો લોકો જોઈ શકે. અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલના સંકુલના ટ્રોમા સેન્ટરના સામે એક વિશાળ બોર્ડ અંગદાનના મહત્ત્વની માહિતી આપી રહ્યું છે. ‘ઉદારતાના દાતાઓ’ની થીમ ધરાવતું આ હોર્ડિંગમાં એ સંદેશ આપવામાં આવ્યો છે કે અંગદાનની પ્રતિજ્ઞા લઇને આઠ લોકોનો જીવ બચાવી શકાય છે. 

આ હોર્ડિંગ લગાવવા પાછળનો હેતુ અંગદાન વિશે સામાન્ય જાગ્રતતા ઊભી કરવાનો છે, વિશેષ રૂપથી બ્રેન-ડેડ વ્યક્તિઓના પરિવારોમાં કે જેઓ પાસે સામાન્ય રીતે વેન્ટિલેટરી સપોર્ટ વિના જીવિત રહેવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે, એમ જણાવતાં IKDRC-ITSના નિયામક ડો. વિનીત મિશ્રાએ ઉમેર્યું હતું કે અંગદાનની પ્રતિજ્ઞા લીધા બાદ પણ જો દાતા બદનસીબે બ્રેન-ડેડ સ્થિતિમાં આવી જાય છે, તો અંતિમ નિર્ણય પરિવારના સભ્યો ધરાવતા હોય છે.

તેમના મતે હોર્ડિંગ પર રચનાત્મક ડિઝાઇન ફિલોસોફી અને સંદેશ સારાં કાર્યોનાં મૂળ તત્વોને દર્શાવે છે. હોર્ડિંગમાં એક હાથના માધ્યમથી આ જ સંદેશ આપવામાં આવ્યો છે. ‘જીવનમાં તમે જે કંઇ પણ સારા કાર્યો કરો છે, તેમાંથી કોઇને નવજીવન આપવું તે ખૂબ જ મહાન કાર્ય છે, હા, એક એવી રીત છે, જેનાથી આપ એક મહાન કાર્ય કરી શકો છો, જેનાથી આપને કંઈ પણ ખર્ચ કરવો પડશે નહીં, પરંતુ તે આઠ આત્માઓ માટે બધું જ હશે, જેમને આપે અંગદાન આપી નવજીવન આપ્યું છે.