મહારાષ્ટ્ર ચૂંટણીઃ 79 વર્ષની ઉંમરે શરદ પવારે કરી બતાવી કમાલ

મુંબઈ – 288 બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શાસક ભાજપ અને શિવસેના યુતિ એની સત્તા ફરી જાળવી રાખવા માટે સક્ષમ બની છે. બંનેએ સાથે મળીને 161 બેઠકો જીતી લીધી છે (ભાજપ 105, શિવસેના 56). સરકાર રચવા માટે 145 બેઠકોની જરૂર પડે. તે છતાં આ વખતની ચૂંટણીમાં શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો દેખાવ સૌને ઊડીને આંખે વળગ્યો છે.

વિરોધ પક્ષ એનસીપીએ 54 બેઠક જીતી છે. એને 2014ની ચૂંટણીની સરખામણીમાં 32 સીટનો ફાયદો થયો છે. પાંચ વર્ષ પહેલાંની ચૂંટણીમાં એણે 22 સીટ જીતી હતી. એ બધી સીટ એણે જાળવી રાખી છે અને નવી 32 સીટ જીતી છે.

ગઈ 19 ઓક્ટોબરે બનેલી એક ઘટના ખૂબ ચર્ચામાં આવી છે. એ દિવસે શરદ પવારે મહારાષ્ટ્રના સતારામાં એમની પાર્ટીની ચૂંટણી રેલી યોજી હતી. પરંતુ મુસળધાર વરસાદ શરૂ થતાં પાર્ટીના નેતાઓ એ રેલીને રદ કરવાનું વિચારતા હતા. પરંતુ, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદથી ગભરાયા વિના પવાર મંચ પર ચડી ગયા હતા અને માઈક પરથી લલકાર્યું હતું કે આ એનસીપી માટે વરુણ રાજાના આશીર્વાદ છે. એનાથી રાજ્યમાં ચમત્કાર થશે અને એની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે એનો મને વિશ્વાસ છે.

સતારામાં વરસતા વરસાદમાં ચૂંટણી રેલી સંબોધતા પવાર

79 વર્ષના પવારની એ મહેનત રંગ લાવી અને સતારા લોકસભા પેટા-ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો.

એનસીપીના નેતા અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલે વિધાનસભા ચૂંટણી પૂર્વે જ્યારે સંસદસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા હતા ત્યારે ઘણા લોકોએ માની લીધું હતું કે પવાર માટે આ મોટો ફટકો છે અને હવે મરાઠા પરિબળ ભાજપની તરફેણમાં આવશે.

ફડણવીસે પણ કર્યો હતો પવાર યુગના અંતનો દાવો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તો વળી એવો દાવો કર્યો હતો કે વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં પવારના રાજકીય યુગનો અંત આવી જશે. એનસીપીની મુખ્ય સહયોગી પાર્ટી કોંગ્રેસે પણ ચૂંટણી પહેલા જ હાર માની લીધી હતી. કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ મહારાષ્ટ્રમાં એકેય ચૂંટણી રેલી કરી નહોતી. રાહુલ ગાંધીએ પાંચ રેલી કરી હતી.

એવામાં, મરાઠા ટાઈગર કહેવાતા શરદ પવાર યોદ્ધાની જેમ લડ્યા હતા. એમણે એમની પાર્ટીની ચૂંટણી ધુરા સંભાળી લીધી હતી અને ભાજપ-શિવસેના પર તત્કાળ વરસી પડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ કરેલા કેસ અને પાડેલા દરોડા, પરિવારમાં આંતરિક રાજકીય લડાઈ જેવી સમસ્યાઓનો સામનો કરતાં પવારે એમની પાર્ટીને ઓક્સીજન પૂરું પાડવાનું કામ કર્યું એટલું જ નહીં, પણ દેશના તમામ પ્રાદેશિક પક્ષોને પણ એક સંદેશ આપ્યો હતો.

શિવસેનાએ પણ માન્યો પવારમાં દમ છે

આખરે ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા બાદ હવે શિવસેના પાર્ટી પણ એ માનવા માટે મજબૂર થઈ ગઈ છે કે એનસીપીએ મોટી છલાંગ લગાવી છે. શિવસેનાએ તેના મુખપત્ર સામના અખબારના તંત્રીલેખમાં લખ્યું છે કે આ મહાજનાદેશ નથી, જનાદેશ છે અને એનસીપીએ સૌથી મોટી છલાંગ લગાવી છે.

અજીત પવાર રેકોર્ડ માર્જિનથી જીત્યા

અજીત પવાર

શરદ પવારે બતાવી આપ્યું છે કે પોતે 79 વર્ષના થયા હોવા છતાં એ હજી પણ થાક્યા નથી કે હાર્યા નથી. એમનું રાજકારણ હજી સમાપ્ત નથી થયું. એમના ભત્રિજા અજીત પવાર પરિવારની પરંપરાગત ગઢ સમાન બેઠક બારામતીમાંથી 1 લાખ 65 હજાર મતોથી વિજયી થયા છે, જે વર્તમાન ચૂંટણીમાં એક વિક્રમ છે.

શરદ પવારે ગઈ કાલે પત્રકાર પરિષદમાં ઉદયનરાજે ભોસલેને કટાક્ષ કરતાં કહ્યું હતું કે સતારામાં છત્રપતિ શિવાજી મહારાજના સિંહાસન માટે લોકોને ઘણો આદર છે, પરંતુ એ સિંહાસનની ગરિમા જાળવવામાં જો કોઈ નિષ્ફળ જાય તો લોકો એની વિશે જરૂર વિચારશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]