મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ભારતીય જનતા પાર્ટીને ગઈ કાલે આમંત્રણ આપી દીધું છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું કહેવું છે કે ગૃહમાં વિશ્વાસના મતદાન થશે ત્યારે પોતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે અને ત્યારબાદ રાજ્યના હિતમાં વૈકલ્પિક સરકાર રચવાનો પ્રયાસ કરશે.
મહારાષ્ટ્રમાં સરકારની રચનાનો મામલો હજી ગૂંચવાયેલો છે. 288-સીટની વિધાનસભામાં, ભાજપ 105 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો છે, પણ એને ભાગીદાર શિવસેના સાથે સત્તાની વહેંચણીના મામલે ઝઘડો થયો છે તેથી સરકાર હજી રચાઈ નથી. વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ આવી ગયાને 17 દિવસ પૂરા થઈ ગયા છે. ગવર્નર કોશિયારીએ ભાજપને સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.
NCPના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું છે કે રાજ્યપાલે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યુ છે. એમણે જોવું જોઈએ કે શું ભાજપ પાસે બહુમતી છે? જો ન હોય તો આમાં વિધાનસભ્યોને ખરીદવા માટે સોદાબાજી થશે. તે છતાં જો ભાજપ સરકાર રચવા માટે આગળ વધશે તો અમે વિશ્વાસના મતદાન વખતે એની વિરુદ્ધમાં મત આપીશું. જો ભાજપની સરકાર પડી ભાંગશે તો અમે રાજ્યના હિતમાં કોઈક વૈકલ્પિક સરકાર રચવાનો પ્રયાસ કરીશું.
મલિકે એમ પણ કહ્યું કે અમે એ પણ જોવા માગીએ છીએ કે વિશ્વાસના મતદાન વખતે શિવસેના પાર્ટી ભાજપની વિરુદ્ધ મત આપે છે કે નહીં. જો એ સરકારની વિરુદ્ધમાં મત આપશે તો અમે વૈકલ્પિક સરકાર રચવા માટે ટેકો આપવા વિચારીશું. અમે 12 નવેંબરે અમારા તમામ વિધાનસભ્યોની મીટિંગ બોલાવી છે.
શિવસેના સાથે ગૂંચ ઊભી થતાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસે ગયા શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું. રાજ્યપાલે એમને કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવાની સલાહ આપી હતી.
ફડનવીસને 11 નવેંબરે રાતના 8 વાગ્યા સુધીમાં બહુમતી પુરવાર કરવાની રાજ્યપાલે ડેડલાઈન આપી છે. જો ભાજપ એમાં નિષ્ફળ જશે તો રાજ્યપાલ બીજા નંબરના સૌથી મોટા પક્ષ તરીકે શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે. શિવસેનાએ 56 સીટ જીતી છે.
ભાજપનો દાવો છે કે એને 121 વિધાનસભ્યોનો ટેકો છે. જેમાં અપક્ષ તથા અન્ય નાના પક્ષોનાં વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.
NCPએ 54 અને કોંગ્રેસે 44 સીટ જીતી છે. આ બંને પક્ષના નેતા – શરદ પવાર અને સોનિયા ગાંધી સરકાર રચવા માટે શિવસેનાને ટેકો આપવાનો ઈનકાર કરી ચૂક્યા છે.