મુંબઈઃ મહારાષ્ટ્રના કૃષિપ્રધાન અને વિધાનસભ્ય અબ્દુલ સત્તારની જીભ એમને દગો દઈ ગઈ છે. એમણે એમના વતનમાં એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાત વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં નેતા, સંસદસભ્ય સુપ્રિયા સુળે વિશે ગંદી ભાષાનો ઉપયોગ કરતાં એનસીપીના કાર્યકરો આજે આખા રાજ્યમાં ખૂબ ભડકી ગયા છે અને સત્તારના મુંબઈમાંના કાર્યાલય, નિવાસસ્થાન તેમજ ઔરંગાબાદ જિલ્લાસ્થિત એમના વતન સિલ્લોડમાં એમના ઘર પર પથ્થરમારો કર્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના સભ્ય સત્તારે પત્રકાર પરિષદમાં સુપ્રિયા સુળે વિરુદ્ધ પોતે ઉચ્ચારેલી ગંદી ભાષા બદલ કબૂલાત અને અફસોસ વ્યક્ત કરવાને બદલે ઊલટાનું એમ કહ્યું છે કે આવી ભાષા તો અમારા ગામમાં સરળતાથી બોલાય છે. એમના આ જવાબ બાદ એનસીપીના કાર્યકર્તાઓ આક્રમક બની ગયા છે. આજે બપોરે એનસીપીના કાર્યકરો ઓચિંતા આંદોલન પર ઉતરી ગયા હતા અને મુંબઈમાં સત્તારના શાસકીય નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. ત્યાં ચપ્પલમારો અને પથ્થરમારો કર્યો હતો. કાર્યકર્તાઓ હાથમાં લાઠીઓ લઈને પહોંચી ગયા હતા. એનસીપીએ મુખ્ય પ્રધાન શિંદેને પત્ર લખીને માગણી કરી છે કે તેઓ 24 કલાકમાં સત્તારને સરકારમાંથી બરતરફ કરે.
બાદમાં સત્તારે અફસોસ વ્યક્ત કર્યો હતો, પરંતુ પુનરોચ્ચાર કર્યો હતો કે એમણે સુપ્રિયા સુળે વિરુદ્ધ કોઈ કમેન્ટ કરી નથી.