‘વાલ્મિકી અને વ્યાસ વિના આપણે કંઇ જ નથી’: પૂજ્ય મોરારીબાપુ

મુંબઈઃ ‘સાચો વિદ્વાન એ છે, જેનામાં વિવેક છે, જે વિનોદી પણ છે અને વિરાગી પણ છે. વિજયભાઈ પંડ્યામાં આ ગુણો હું જોઉં છું. આ જ ગુણો ડો. દિનકર જોષીમાં પણ મને જોવા મળ્યા છે. વિજયભાઈ વાલ્મિકી રામાયણના અભ્યાસી-સંશોધક-અનુવાદક છે, જ્યારે દિનકરબાપા મહાભારતનાં. એક ત્રેતા યુગના અને બીજા દ્વાપર યુગનાં, આ બંને વચ્ચે બેઠેલો હું કળિયુગનો છું, કિંતુ આ બે મહાનુભાવો વચ્ચે બેસીને હું સતયુગમાં પરિવર્તિત થયો છું.’ આ વિધાન ગયા રવિવારે કાંદિવલી ખાતે યોજાયેલા ‘વાલ્મિકી વંદના’ કાર્યક્રમમાં પૂ.મોરારીબાપુએ કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ‘આજે ગ્રંથ વંદના છે. ગ્રંથ સમાજને ગ્રંથિમુકત કરવાનું કાર્ય કરે છે. ગ્રંથનું મૂળ સમાજને ભેદમુકત રાખવાનું છે.’

આ કાર્યક્રમ હતો ‘વાલ્મિકી વંદના’નો. વાલ્મીકી રામાયણની સમીક્ષિત આવૃત્તિનો અમદાવાદના ડો. વિજય પંડ્યા દ્વારા ગુજરાતી ભાષામાં પ્રથમવાર અવતરિત અનુવાદના પ્રથમ ત્રણ કાંડ (બાલ કાંડ, સુન્દર કાંડ,અયોધ્યા કાંડ)નું લોકાર્પણ તા. ૬ નવેમ્બરની સાંજે પાંચ વાગે પૂ. મોરારીબાપુના શુભહસ્તે કરવામાં આવ્યું હતું, જેનું આયોજન સાહિત્ય, કળા અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ એ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES)ના સહયોગમાં કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલના પ્રાંગણમાં કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મોરબી પુલ દુર્ઘટનાના દિવંગતોની યાદમાં એક મિનિટનું મૌન પાળીને કરવામાં આવી હતી. પૂ. મોરારીબાપુ, ડો. વિજય પંડ્યા, KES ના ટ્રસ્ટીઓ અને ડૉ. દિનકર જોષી દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ ભરતનાટ્યમ આરંગેત્રમની વિધાર્થીનીઓ દ્વારા ગ્રંથની મંચ પર પધરામણી કરાઇ હતી. ગાંધીજીની પ્રેરણાથી ૧૯૪૬માં નિત્યાનંદે રામાયણનાં સાત કાંડોને આવરી લેતી ૬ મિનિટના એક ગીતની સંસ્કૃત ભાષામાં રચના કરી હતી અને એ વખતના પ્રખ્યાત ગાયક સૂરસાગર જગમોહને તેને ગાઈ હતી અને કમલદાસ ગુપ્તાએ તેનું સ્વરાંકન કર્યુ હતું. આ રચના પર સૃષ્ટિ યાદવ, આર્શીયા શાહ, કરિના શ્રીવાસ્તવ અને સાક્ષી ગોહિલ નામની વિદ્યાર્થિનીઓએ ભરતનાટ્યમ આધારિત સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. જેનું દિગ્દર્શન તેમની ગુરુ નિકિતા મહેતાએ કર્યુ હતું.

પૂ. બાપુ અને વિજયભાઈનું અભિવાદન

KES સંસ્થા વતી સતીશભાઈ દત્તાણી, રજનીકાંત ઘેલાણી, સચિવ મહેશભાઇ ચંદારાણા અને ડૉ. દિનકરભાઈ જોષીએ, પૂ. બાપુને અને વિજયભાઇ પંડ્યાને શાલ, શ્રીફળ અને માળા અર્પણ કર્યાં હતાં. ‘સંવિત્તિ’ વતી કીર્તિભાઈ શાહ, સંજય ગોહિલ, મયુર દવે, હાર્દિક ભટ્ટ અને જયેશ ચિતલિયાએ પૂ. બાપુ અને વિજયભાઈ પંડ્યાનું અભિવાદન કર્યુ હતું. વિજયભાઈ પંડ્યાના શિષ્યા અને હાલ સંસ્કૃતના પ્રોફેસર ડો. રાજવી ઓઝાએ વિજયભાઈનો સુંદર હ્રદયસ્પર્શી શબ્દોમાં પરિચય આપ્યો હતો.

‘વાલ્મિકી એ આદિ કવિ’

સંસ્કૃતમાં તેમનાં સેવાકાર્ય માટે દેશનો સર્વોચ્ચ ઍવોર્ડ રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવનાર વિજયભાઈ પંડ્યાએ તેમના વક્તવ્યમાં કહ્યું કે, ‘વાલ્મીકી રામાયણ એ આદિ કાવ્ય છે અને વાલ્મિકી એ આદિ કવિ છે. વાલ્મિકી રામાયણની સમીક્ષિત આવૃત્તિમાં ૧૮,૭૬૬ શ્લોકો છે. આ બધા શ્લોકોનો ભારતની તમામ ભાષાઓમાંથી એકમાત્ર અને પ્રથમવાર ગુજરાતી ભાષામાં અનુવાદ થયો છે. આ ઉપરાંત ભારતની બહાર કેવળ અંગ્રેજી ભાષામાં આ ભગીરથ કાર્ય થયું છે.’ તેમણે કહ્યું કે વાલ્મિકીરૂપી પર્વતમાંથી રામરૂપી સાગરમાં ભળી જતી રામાયણ ગંગા ત્રણે ભુવનોને પાવન કરે છે.’ વાલ્મિકીને એમણે ‘પર્વત’ કહ્યા અને કહ્યું કે, ‘પર્વત એટલે ગિરીમાળા અને જેમ ગિરીમાળામાં અનેક શિખરો હોય તેમ રામાયણનું એક શિખર એટલે આ સભામાં બિરાજિત પ.પૂ. મોરારીબાપુ છે.’ એમણે વધુમાં ઉમેર્યુ કે, ‘રામાયણ એક વિચારક, દાર્શનિક, કુટુંબકથાને આલેખનાર, તત્વદર્શી ગ્રંથ છે. વાલ્મિકીએ રામાયણ દેવભાષા સંસ્કૃતમાં લખ્યું છે. મારે વાલ્મિકીને સમાજમાં બધે પહોંચાડવા છે એટલે મારું પોતાનું કંઈ પણ ઉમેર્યા વિના મેં વાલ્મિકીને વફાદાર રહીને કેવળ એ શ્લોકોનો ગધ-સ્વરૂપે અનુવાદ કર્યો છે. આ ઘટના ગુજરાત માટે એક ઐતિહાસિક ગૌરવની છે.  તે છતાં એની નોંધ જે પ્રમાણમાં લેવાવી જોઈએ તે લેવાઈ નથી તેનો ક્યાંક રંજ પણ છે. મારું લક્ષ્ય વાલ્મિકીને લોકો સુધી પહોંચાડવાનું છે. બાકીના ચાર કાંડના પ્રિન્ટિંગનું કાર્ય ચાલુ છે. આ ઉપરાંત હજી મારે હનુમાનજી લિખિત ગ્રંથ પર એક નાટક લખવું છે, જે ૧૪ અંકનું છે. ભગવાન મારી પાસે આ કાર્ય જયાંસુધી અને જેટલું કરાવે એ માટે હું તૈયાર છું.’

ગુર્જરપત્રનું ગૌરવ

આ અવસર પર સાહિત્યકાર ડૉ. દિનકર જોષી પૂ. બાપુના આગ્રહથી મંચસ્થ રહ્યા હતા. વિજયભાઈને સંબોધીને બાપુએ કહ્યું હતું કે રામાયણ તો ભુર્જરપત્ર પર લખાયું હશે, જે આજે ઉપલબ્ધ નથી, પણ તમે તો એને  ગુર્જરપત્ર પર લખીને વિશાળ ગુજરાતી સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. એમણે ઉમેર્યુ હતું  કે વિદ્વાન પાસે અધ્યયન અને અનુભવ બંને હોવા જોઈએ. બાપુના મતે વાલ્મિકી અને વ્યાસમુનિ વિના આપણે કંઈ જ નથી. તેમણે આ પ્રસંગે હાજર રહેવાની પ્રસન્નતા વ્યકત કરતા રસપ્રદ વાતો કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે, ‘મેં આમ તો અમુક વરસ પહેલાં જાહેરમાં કહ્યું હતું કે હવે પછી હું વ્યાસપીઠ સિવાય કોઈ કાર્યક્રમમાં નહી જાઉં, મને એ માટે આમંત્રણ ન આપશો, કિંતુ મને ગમતું હશે તો ત્યાં હું સામેથી જઈશ.’

આ પ્રસંગે પૂ. બાપુના હસ્તે ‘ધન્ય નરસૈંયો’ના નામે નરસિંહ મહેતાના અપ્રચલિત પદોના આલ્બમનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આનું સ્વરાંકન જુનાગઢના અપૂર્વ પૂરોહિત અને સંવિત્તિના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટે કર્યુ છે.

હાર્દિક ભટ્ટે કાર્યક્રમનું ભાવવાહી શૈલીમાં સ-રસ સંચાલન કર્યું હતું. જેને પૂ. બાપુએ ખૂબ ભાવપૂર્વક બિરાદાવ્યું હતું. બાપુએ આરંગેત્રમ નૃત્ય કરીને રામાયણની કથાને છ મિનિટમાં પ્રસ્તુત કરનાર વિધાર્થીનીઓની પણ સરાહના કરી હતી.

કાર્યક્રમને અંતે ‘સંવિત્તિ’ના કીર્તિભાઈ શાહે પ્રભાવશાળી શબ્દોમાં આભારવિધિ કરી હતી. લગભગ ૭૦૦ જણની ઉપસ્થિતિમાં આ કાર્યકમ ખૂબ જ સરસ અને સાત્વિક ઢબે પાર પડ્યો હતો. આ પ્રસંગને પાર પાડવામાં કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલ અને સંવિત્તિના કાર્યકર્તાઓ તેમજ મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને કેઈએસના એનસીસી (નેશનલ કેટેડ કોર્પ્સ)  વિધાર્થીઓની ટીમે ખડેપગે સેવા આપી હતી.

(અહેવાલ: સોનલ કાંટાવાલા)