મુંબઈ-થાણે વચ્ચે ફિલ્મ સિટી બનાવવાની સરકારની યોજના

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર મુંબઈ અને પડોશના થાણે શહેરોની વચ્ચે એક ફિલ્મ સિટી બનાવવાની યોજના ઘડી રહી છે. તે ફિલ્મ સિટી કલાકારોને બહોળું મંચ પૂરું પાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે અહીં મરાઠી રંગભૂમિ અભિનેતા પ્રશાંત દામલેના સમ્માન સમારંભમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.

શિંદેએ કહ્યું કે મુંબઈની જેમ થાણે શહેરમાં પણ ફિલ્મોનું ઘણું શૂટિંગ થઈ રહ્યું છે. તેથી બંને શહેર વચ્ચે એક ફિલ્મ સિટી બનાવવાનું સરકારે નક્કી કર્યું છે. બંને શહેરથી આ ફિલ્મ સિટી લગભગ 23 કિ.મી.ના અંતરે હશે.

હાલ મુંબઈના ગોરેગાંવ (પૂર્વ)માં રાજ્ય સરકાર સંચાલિત ફિલ્મ સિટી છે, જેને ‘દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી’ નામ આપવામાં આવ્યું છે. આ વિશાળ ફિલ્મ સ્ટુડિયો સંકુલ અનેક રેકોર્ડિંગ રૂમ્સ, બગીચાઓ, સરોવરો, થિયેટરો સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.