મુંબઈઃ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે પ્રશાસનો દ્વારા મુંબઈમાં 19 સ્ટેશનોની રૂ. 947 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવનાર છે. મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન કંપની મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3A યોજનાના ભાગરૂપે શહેરના સ્ટેશનોની હાલત સુધારશે, નવા ફૂટ-ઓવર-બ્રિજ (FOB) બાંધશે, FOB અને સ્કાઈવોક્સને જોડશે, સ્ટેશન પરિસરમાં લીલોતરી ઉગાડશે. મધ્ય રેલવે વિભાગ પર 11 અને પશ્ચિમ રેલવે વિભાગ પર 8 સ્ટેશનોને નવું સ્વરૂપ આપવામાં આવશે. આમાં ભાંડુપ, મુલુંડ, શહદ, નેરલ, કસારા, જીટીબી નગર, ગોવંડી, માનખુર્દ, કાંદિવલી, મીરા રોડ, વસઈ, નાલાસોપારા, વિરાર સ્ટેશનોનો સમાવેશ થાય છે.
રેલવે અધિકારીઓનું કહેવું છે કે મુંબઈમાં ઉપનગરીય રેલવે સિસ્ટમ પર કુલ 119 સ્ટેશનો છે. એમાંના મોટા ભાગના 80 વર્ષ જૂના થઈ ગયા છે અને ત્યાં ગીચતાની સમસ્યા વધી ગઈ છે. તમામ ઉપનગરીય સ્ટેશનોને પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સુધારવાની-અપગ્રેડ કરવાની જરૂર છે. લોકલ ટ્રેનોની લંબાઈ 12થી લઈને 15 ડબ્બાઓની કરવામાં આવી રહી છે તેથી સ્ટેશનોની લંબાઈ પણ વધારવામાં આવી રહી છે.