હિનાઝ આર્ટ પેવેલિયન ખાતે યોજાયું મલ્ટિ-આર્ટિસ્ટ એક્ઝિબિશન

અમદાવાદ: હિનાઝ આર્ટ પેવેલિયન (એચએપી) નામના મલ્ટિ-આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં 62 જેટલા કલાકારો દ્વારા બનાવવામાં આવેલી 182 જેટલી કલાકૃતિઓને રજૂ કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન ઇન્ડિયા ફાઇન આર્ટ્સ કાઉન્સિલના ચેરપર્સન સંદીપ સોપારકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉભરતા અને નીવડેલા કલાકારોની વિવિધ પ્રકારની મનોરમ્ય કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી. આ કલાકૃતિઓ પેઇન્ટિંગ્સ, સ્કેચિઝ, શિલ્પો, ઇન્સ્ટોલેશન્સ જેવાં વિવિધ થીમ અને માધ્યમો પર થયેલાં કાર્યોને પ્રદર્શિત કરવામાં આવી. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા હિનાઝ આર્ટ પેવેલિયન ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ડૉ. હિના શાહ દ્વારા સ્થાપવામાં આવેલું એચ.એ.પી.  સેન્ટર સ્ત્રીઓ અને બાળ કલાકારોના કાર્યોને પ્રોત્સાહન આપીને કલાના અનુભવને પરિષ્કૃત કરવા માટે સમર્પિત એક વિશિષ્ટ પ્રકારની પહેલ છે. આ પહેલ ઉભરી રહેલા અને પીઢ કલાકારોને પ્લેટફૉર્મ પૂરું પાડે છે અને તેમની કલાત્મક અભિવ્યક્તિ અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. આ પ્રસંગે એચ.એ.પી.ના સ્થાપક ડૉ. હિના શાહએ જણાવ્યું હતું કે, ‘આ પહેલ પાછળનો વિચાર સર્જનાત્મક લોકોનું સશક્તિકરણ અને ઉત્થાન કરવાનો છે તથા તેમને તેમની કલાત્મક અભિવ્યક્તિ મારફતે તેમની વાતો અને તેમના દ્રષ્ટિકોણને રજૂ કરવા માટે એક મંચ પૂરું પાડવાનો છે.’ પરંપરાગત આર્ટ ગેલેરીઓની બીબાઢાળ રજૂઆતથી કંઈક અલગ કરવા માટે એચએપીનું આ પ્રથમ પ્રદર્શન આઉટડોર વેન્યૂમાં યોજવામાં આવ્યું હતું. જેનો  600થી વધુ મુલાકાતીઓ અને કલા ચાહકોએ લાભ લીધો.  કલાકૃતિઓની પ્રશંસા કરવા ઉપરાંત તેમાં હાજર રહેનારા લોકોએ લાઇવ મ્યુઝિક પણ માણ્યું હતું. આ સિવાય કાર્યક્રમ દરમિયાન અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓને મન ભરીને માણતી વખતે અલક-મલકની ચર્ચાઓ કરવાની તક પણ મળી હતી.