સુરત: શહેરના સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે સુપા ગુરુકુળ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આંખની વિશ્વકક્ષાની હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલ કુલ 16 વીઘામાં આકાર પામી રહી છે. જે કુલ 5 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં રૂપિયા 450 કરોડના ખર્ચે બનશે.આ બાંધકામ વર્ષ 2028 સુધીમાં ત્રણ ફેઝની અંદર પૂર્ણ કરવાનો શક્યતા છે. જેમાં 12,000 સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે, જેનું લોકાર્પણ 15મી ડિસેમ્બર, રવિવારના રોજ સવારે 9:30 વાગે મોરારિબાપુના હસ્તે કરવામાં આવશે.સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડોક્ટર ભાવિન પટેલે ચિત્રલેખા.કોમને જણાવ્યું, “મારું આ સપનું હતું કે જે લોકોને આંખની સમસ્યાઓ છે કે નેત્રહીન છે તેઓને ઉત્તમ સારવાર મળે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોમાં આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે અને લોકોને આંખની સમસ્યાનું નિવારણ કરતી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે. તેમજ જે લોકો પાસે સર્જરી કરવાનો ખર્ચ નથી તેવા લોકોને નિ:શુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવાના લક્ષ્ય સાથે આ હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. બે ફેઝની અંદર આ હોસ્પિટલમાં 21 ઓપરેશન થિયેટર, 64 જેટલા OPD બનશે. તેમજ દર મહિને 10,000 લોકોની સર્જરી થઈ શકે તેવી સુવિધાઓ આપવામાં આવશે. આ હોસ્પિટલ વેસ્ટર્ન ઈન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ સાબિત થશે.”હોસ્પિટલના ત્રીજા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબ્લિકેશન સેન્ટર બનાવવામાં આવશે. જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને LOCO MOTOR TRAININGના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે. તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. જેના માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને રાખવામાં આવશે. આ હોસ્પિટલની અંદર 100થી વધારે ડોક્ટર તેમજ 700થી વધારે સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.