કોલકત્તા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝ પર રાજભવનની મહિલા કર્મચારીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. કોલકાતા પોલીસે આ મામલે SITની રચના કરી છે. આ દરમિયાન રાજ્યપાલે એક આદેશ આપ્યો છે, જેના કારણે રાજકારણ તેજ થઈ ગયું છે. આ બાબતને લઈને રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે રાજભવનના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તેઓ કોલકાતા પોલીસની SIT તપાસને લઈને કોઈપણ પોલીસ કર્મચારી સાથે વાત ન કરે. SB, IB કે કોલકાતા પોલીસને રાજભવનમાં પ્રવેશવા પણ ન દેવાનું જણાવ્યું છે. TMCના પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને રાષ્ટ્રપતિને આરોપ લગાવનાર મહિલાની મદદ કરવાની અપીલ કરી છે. રાજ્યપાલના આ આદેશ બાદ TMCના પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને કહ્યું છે, “રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે કેટલાક બંધારણીય અધિકારો છે. પરંતુ, તે ખુરશી માટે છે વ્યક્તિ માટે નહીં. જ્યારે તેઓ પદ પર ન હોય ત્યારે જ કાર્યવાહી કરવામાં આવશે. એક મહિલા હોવાના નાતે ભારતના રાષ્ટ્રપતિએ મહિલાને ન્યાય અપાવવામાં મદદ કરવી જોઈએ.”પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે બે વખત છેડતી કરવામાં આવી હતી. પરંતુ, રાજ્યપાલ સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વાસ્તવમાં, રાજ્યપાલના પદને બંધારણીય સુરક્ષા હોય છે, જેના કારણે બોઝને પદ પર હોય ત્યારે ફોજદારી આરોપોનો સામનો કરવો પડશે નહીં. આ સત્તાનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 361માં કરવામાં આવ્યો છે. કલમ 361 (2) કહે છે કે, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ કોર્ટમાં ફોજદારી કાર્યવાહી શરૂ અથવા ચાલુ રાખવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ અથવા કોઈપણ રાજ્યના રાજ્યપાલની ધરપકડ અથવા કેદ માટેની કોઈ પ્રક્રિયા તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ અદાલત દ્વારા જારી કરવામાં આવશે નહીં. આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલના આ કેસમાં તપાસ શરૂ થઈ છે પરંતુ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.કોલકાતા પોલીસે શનિવારે (18 મે) પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં કાર્યવાહી કરી છે. કોલકાતા પોલીસે રાજભવનના ત્રણ કર્મચારીઓ એસ. એસ. રાજપૂત, કુસુમ છેત્રી અને સંત લાલ વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમ 341 અને 166 હેઠળ એફઆઈઆર નોંધી છે. ફરિયાદી મહિલા, જે રાજભવનમાં જ કામ કરતી હતી, તેણે આરોપ લગાવ્યો હતો કે આ ઘટના બાદ તેને સ્ટાફ દ્વારા પકડવામાં આવી હતી. 2 મેના રોજ તેને ચૂપ રહેવા દબાણ કરવામાં આવ્યું હતું. પીડિતાએ આ મામલામાં સેક્શન 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે.