ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન પ્રદર્શનકારીઓને હોબાળો

લંડન: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે (27 માર્ચ) ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના વિદ્યાર્થી નેતાઓએ ‘ગો બેક’ના નારા લગાવ્યા હતા. હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રદર્શનકારીઓએ આર.જી. કોલેજ રેપ અને હત્યાકાંડ તેમજ અન્ય કૌભાંડોને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જો કે, મમતા બેનર્જીએ પરિસ્થિતિ સંભાળી અને વિરોધીઓને જવાબ આપ્યો હતો.

મમતા બેનરજીએ શું કહ્યું? 

વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું, ‘આ મામલો કોર્ટમાં છે, જે  કેન્દ્ર સરકાર હસ્તક છે. અહીં રાજકારણ ન કરો, આ પ્લેટફોર્મ રાજકારણ માટે નથી. તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, આને રાજકીય પ્લેટફોર્મ ન બનાવો. તમે બંગાળ આવો અને તમારા પક્ષને વધુ મજબૂત બનાવો. આ દરમિયાન, મમતા બેનર્જીએ ભીડને એક ફોટો બતાવ્યો અને કહ્યું કે તમે મારી આ તસવીર જુઓ, મને કેવી રીતે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

દર્શકોના ખૂંચતા સવાલો 

જ્યારે મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળને લાખો કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવો મળ્યા છે, ત્યારે એક દર્શકે તેમને ચોક્કસ રોકાણો અંગે વિગતો આપવા કહ્યું. તેના પર, મમતાએ જવાબ આપ્યો, “ઘણા બધા છે…” તે વધુ વિગતવાર વાત કરે તે પહેલાં, અન્ય લોકોએ તે માણસને ચૂપ રહેવા કહ્યું, અને દલીલ કરી કે આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી.

‘મને બોલવા દો, સંસ્થાનું અપમાન ન કરો’

મમતા બેનર્જીએ કહ્યું કે મને મારો દ્રષ્ટિકોણ રજૂ કરવાની તક આપવી જોઈએ. મને બોલવા દો. તમે મારું નહીં, પણ તમારી સંસ્થાનું અપમાન કરી રહ્યા છો. હું જ્યાં પણ જાઉં છું ત્યાં આ લોકો આવું જ કરે છે. હું દરેક ધર્મનું સમર્થન કરું છું. હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધાનો આદર કરું છું. ફક્ત એક જ જાતિનું નામ ન લો, બધી જ જાતિના નામ આપો. તમે લોકો જે કરી રહ્યા છો તે યોગ્ય નથી. મારા અતિ ડાબેરી અને સાંપ્રદાયિક મિત્રો, આ રાજકારણ ન કરો.

‘હું જનતા સામે માથું નમાવીશ’

જ્યારે કેટલાક દર્શકોએ ‘ગો અવે’ ના નારા લગાવ્યા, ત્યારે મમતા બેનર્જીએ આત્મવિશ્વાસથી કહ્યું, ‘દીદીને કોઈ પરવા નથી.’ દીદી વર્ષમાં બે વાર આવશે અને રોયલ બંગાળ ટાઇગરની જેમ લડશે. આ ઉપરાંત, તેમણે કહ્યું, ‘જો તમે કહો છો, તો હું તમારા કપડાં ધોઈશ અને તમારા માટે ભોજન બનાવીશ.’ પણ જો કોઈ મને નમાવવાનો પ્રયાસ કરશે અથવા દબાણ કરશે તો હું ઝૂકવાની નથી.  હું ફક્ત જનતા સમક્ષ મારું માથું નમાવીશ.

SFI-UK એ પ્રદર્શનની જવાબદારી લીધી

SFI-UK (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા -યુકે) એ આ વિરોધ પ્રદર્શનની જવાબદારી લીધી છે. સંગઠને તેના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં લખ્યું, ‘અમે મમતા બેનર્જી અને ટી.એમ.સી.ના ભ્રષ્ટ, અલોકતાંત્રિક શાસન સામે પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ અને શ્રમિક વર્ગના સમર્થનમાં અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ.’