કોલકાતાઃ હાઇકોર્ટે બળવાખોર TMC ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા (LoP) તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર હાલ માટે સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. હાઇકોર્ટે આ મામલે કોઈ વચગાળાનો આદેશ આપ્યો નથી. તેનો અર્થ એ છે કે હાલ માટે ઋતબ્રત બેનર્જી વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે. જોકે અદાલતે અરજી સ્વીકારી છે અને આ મામલે આગળની સુનાવણી કરશે.TMCના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે અદાલતમાં અરજી કરીને દાવો કર્યો હતો કે વિધાનસભાના અધ્યક્ષ રથીન્દ્ર બોસે તેમની દાવેદારી ફગાવીને ખોટી રીતે બળવાખોર TMC ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. છતાં હાઇકોર્ટે કોઈ વચગાળાની રાહત આપી નથી. એટલે કે હાલ માટે ઋતબ્રત બેનર્જી પદ પર રહેશે. અંતિમ નિર્ણય બાદમાં લેવામાં આવશે.
ન્યાયમૂર્તિ કૃષ્ણ રાવે વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરતાં મામલાને આગામી સુનાવણી માટે 28 જુલાઈએ સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો. અદાલતે પ્રતિવાદીઓને ત્રણ સપ્તાહમાં સોગંદનામું દાખલ કરવા કહ્યું છે. ન્યાયમૂર્તિ રાવે જણાવ્યું હતું કે અરજદારને બે સપ્તાહમાં તેનો જવાબ દાખલ કરવાની તક મળશે. બળવાખોર જૂથે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMCના કુલ 80 ધારાસભ્યોમાંથી 58નું સમર્થન હોવાનો દાવો કર્યો છે. મમતા બેનર્જી સમર્થક જૂથ સાથે જોડાયેલા ચટ્ટોપાધ્યાયે 18મી પશ્ચિમ બંગાળ વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું હોવાથી વચગાળાના આદેશની માગ કરી હતી.
‘હવે મહાનગરપાલિકા અને જિલ્લા પરિષદોની વારો’
મમતા બેનર્જીએ ઋતબ્રતને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો, પરંતુ વિધાનસભાના અધ્યક્ષે તેમને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. ઋતબ્રત બેનર્જીએ કહ્યું હતું કે એક વાર સાંસદો અને ધારાસભ્યોનો મુદ્દો પૂર્ણ થઈ જશે, ત્યાર બાદ અમે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પરિષદો અને અનેક જિલ્લાઓના અધ્યક્ષો તરફ આગળ વધીશું. સંસદીય લોકશાહીમાં સંખ્યાબળનું મહત્વ હોય છે.






