ATM અને UPI દ્વારા સીધા ઉપાડી શકાશે PFના પૈસા, જાણો…

નવી દિલ્હીઃ નોકરિયાત લોકો માટે મોટા ખુશખબર છે. હવે ટૂંક સમયમાં ATM અને UPI મારફતે પણ PF (પ્રોવિડન્ટ ફંડ)ના પૈસા ઉપાડી શકાશે. EPFO 3.0 ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ સરકાર છેલ્લા ઘણા મહિનાથી આ ખાસ સુવિધા પર કામ કરી રહી હતી. હવે તમામ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે ટૂંક સમયમાં કર્મચારીઓ કોઈ ઝંઝટ વિના UPI અને ATM દ્વારા પોતાના PFના પૈસા ઉપાડી શકશે.કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે આ નવી એડવાન્સ સિસ્ટમનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે. સરકાર ટૂંક સમયમાં તેના અમલીકરણ તારીખ અને નવાં માર્ગદર્શનો જાહેર કરશે. હવે PF સંબંધિત મોટા ભાગના ક્લેમ ઝડપથી મંજૂર થઈ શકશે.

સૂત્રોના જણાવ્યાનુસાર UPI અને ATM દ્વારા EPFOમાંથી પૈસા ઉપાડવાની સુવિધા જૂનના અંત સુધી શરૂ થઈ શકે છે. આ માટે યુઝર્સ UPI અને UPI-સક્ષમ ATMનો ઉપયોગ કરીને પોતાના PF બેલેન્સના 75 ટકા સુધીની રકમ તરત જ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકશે.

કેટલા પૈસા ઉપાડી શકાશે?

કર્મચારીઓમાં સૌથી મોટો પ્રશ્ન ઉપાડની મર્યાદાને લઈને છે. શું ATM કાર્ડ દ્વારા આખું PF ઉપાડી શકાય? તેનો જવાબ છે – નહીં. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાતાધારકો ATM દ્વારા પોતાના કુલ PF બેલેન્સના મહત્તમ 75 ટકા સુધીની રકમ જ ઉપાડી શકશે. જ્યારે UPI દ્વારા ઉપાડ માટે આ મર્યાદા 50 ટકા સુધી હોઈ શકે છે. જોકે નિવૃત્તિ, વિકલાંગતા અથવા નોકરી ગુમાવવાની સ્થિતિમાં 100 ટકા PF ઉપાડવાના હાલના નિયમો યથાવત્ રહેશે.

સરકારે અગાઉથી જ આપ્યા હતા સંકેત

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ અગાઉ જ જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય EPFOને સંપૂર્ણપણે હાઈ-ટેક અને ડિજિટલ બનાવવાનું છે. સરકાર ઈચ્છે છે કે PF ખાતાધારકોને ઈમર્જન્સી સમયે પૈસા મેળવવા માટે ઓફિસોના ચક્કર ન કાપવા પડે. આ જ હેતુથી PF ઉપાડવાની પ્રક્રિયાને સીધી ATM અને UPI સાથે જોડવામાં આવી રહી છે.