સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ: વહેલી સવારથી ભક્તોની ભીડ જામી

સોમનાથ: આજે મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે.

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સોમનાથમાં ભાવિકજનોની ભીડ જામી છે. વહેલી સવારથી જ લોકો દર્શન માટે લાઈનોમાં લાગી ગયા છે. વહેલી પરોઢે ચાર વાગ્યાથી જ લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સોમનાથ મંદિરે પ્રાતઃ મહાપૂજા સંપન્ન કર્યા બાદ પ્રાતઃ આરતીનો પ્રારંભ કર્યો હતો. જેમાં હજારોની ભીડ જામી હતી.સોમનાથ મંદિરમાં સવારે 4 વાગ્યાથી દર્શન શરૂ થયા છે. મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 8 વાગ્યે સોમનાથ સમુદ્રકિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે એ માટે સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.