આતંકવાદીઓ પ્રત્યે પ્રેમઃ પાક ટીમ મેચ ફી આતંકવાદીઓને દાન કરશે

દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા એશિયા કપના ફાઇનલમાં ભારતે પાકિસ્તાની ટીમને એવી હરાવી છે કે પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફથી લઈને પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગા સુધી સૌએ પોતાની હારની ખીજ ભારતીય ટીમ પર કાઢી છે.

કેપ્ટન સલમાન અલી આગાએ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની આતંકવાદ પ્રત્યેની સહાનુભૂતિનો ખુલાસો કરી નાખ્યો હતો. તેણે જાહેર કર્યું હતું કે પાકિસ્તાની ટીમ પોતાની મેચ ફી ભારતના હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને નામે દાન કરશે, પરંતુ હકીકતમાં જેને તે “નાગરિકો” કહી રહ્યો છે, તેઓ સામાન્ય નાગરિકો નહીં, પરંતુ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ અને જૈશના સરગના મસૂદ અઝહરના પરિવારજનો હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો, જેમાં આવા આતંકી મર્યા હતા. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી ભારતે પાકિસ્તાની એરબેસ પર હુમલા કર્યા હતા, જેમાં પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ પણ માર્યા ગયા હતા.

 પાકિસ્તાની કપ્તાનનું એલાન

પાકિસ્તાની કપ્તાન જે રીતે કહી રહ્યો છે કે ટીમની મેચ ફી “ભારતીય સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા નાગરિકો”ના નામે જશે, તે પરથી સ્પષ્ટ છે કે આ લોકો હકીકતમાં AK-47 પકડેલા આતંકી હતા. ભારતના હુમલા પછીના ચાર-સવા ચાર મહિનામાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ એ જ લોકોને “સન્માન” આપી રહી છે, જેમને પાકિસ્તાની સેના અને સરકારે નમાજ-એ-જનાઝામાં સન્માન આપ્યું હતું.

પાકિસ્તાની ટીમનો આતંકીઓ પ્રત્યે પ્રેમ

પાકિસ્તાની ક્રિકેટરોનો આતંકીઓ પ્રત્યેનો પ્રેમ નવો નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પોતાના સમયમાં તાલિબાનના સમર્થનને કારણે દક્ષિણ એશિયામાં તાલિબાન ખાન નામે ઓળખાતા હતા. હવે ઓપરેશન સિંદૂર પછીની પરિસ્થિતિમાં, ક્યારેક પાકિસ્તાની ક્રિકેટર સાહિબજાદા ફરહાન ભારત સામે અર્ધશતક પછી ગન ચલાવવાનો ઇશારો કરે છે, તો હવે ફાઇનલ સહિત ભારત સામે ત્રણેય મેચ હાર્યા બાદ પાકિસ્તાની કપ્તાન આખી ટીમની મેચ ફી આતંકીઓને નામે આપવાનું જાહેર કરે છે.