ભગવાન રામ મુસ્લિમ હતા: TMC ધારાસભ્ય મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રા દ્વારા ભગવાન રામને લઈને આપેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર તેમના ભાષણની એક ક્લિપ વાયરલ થઈ છે, જેમાં TMC ધારાસભ્ય દાવો કરતા જોવા મળે છે કે ભગવાન રામ મુસ્લિમ હતા. તેમના આ નિવેદનને લઈને ભાજપ ભડક્યો છે.

ભાજપે TMC પર આક્રમક વલણ અપનાવ્યું

બંગાળ ભાજપે તેના X હેન્ડલ પર ગુરુવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના કમરહાટીથી ધારાસભ્ય મદન મિત્રાના ભાષણનો એક વિડિયો શેર કર્યો છે અને તેને હિંદુ ભાવનાઓનું અપમાન ગણાવ્યું છે. શેર કરાયેલા વિડિયોમાં મદન મિત્રાને એક જાહેર સભામાં ભગવાન રામ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સાંભળવામાં આવે છે. જોકે આ વિડિયોની સત્યતા ચકાસવામાં આવી નથી.

રાજ્ય ભાજપે X પર વિડિયો શેર કરતાં લખ્યું હતું કે આ અમારી સંસ્કૃતિ અને ઇતિહાસનું સતત અપમાન છે. આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે TMC સૌથી ‘હિંદુ વિરોધી’ પાર્ટી છે અને તેથી જ તેમના વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપે TMCને મદન મિત્રા સામે કાર્યવાહી કરવાની ચેલેન્જ પણ આપી છે.

TMCએ ધારાસભ્યના નિવેદનથી અંતર રાખ્યું

બીજી તરફ, સત્તારૂઢ TMCએ પોતાના ધારાસભ્યની આ કથિત ટિપ્પણીથી પોતાને અલગ કરી લીધી છે. TMC પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે અમે બધા ‘રામાયણ’ અને અયોધ્યા વિશે જાણીએ છીએ અને મદન મિત્રા જે કહી રહ્યા છે, તેના પર અમે કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.

ધારાસભ્યના નજીકના લોકોનો વિડિયો ખોટો હોવાનો દાવો

આ મામલે મદન મિત્રાએ હજી સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. જોકે, તેમના નજીકનાં સૂત્રોએ દાવો કર્યો છે કે વિડિયો ખોટો, બનાવટી અને AI દ્વારા જનરેટ કરાયેલો છે. ઉલ્લેખનીય છે કે મદન મિત્રા અગાઉ પણ પોતાનાં નિવેદનોને કારણે વિવાદમાં ફસાયા છે.