શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા વિરુદ્ધ છેતરપિંડી કેસમાં લુકઆઉટ નોટિસ જારી

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. શિલ્પા અને રાજ પર બિઝનેસમેન દીપક કોઠારીને લગભગ 60 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે.

 બિઝનેસમેન દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2015થી 2023ની વચ્ચે શિલ્પા અને રાજે બિઝનેસ વિસ્તરણને નામે તેમની પાસેથી 60 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ આ પૈસા વ્યક્તિગત ઉપયોગ માટે વાપર્યા હતા. આ આરોપ મુજબ આ રકમ લોનના રૂપમાં લેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને ટેક્સ બચાવવા માટે ઈન્વેસ્ટમેન્ટ બતાવવામાં આવ્યું હતું.ફરિયાદકર્તાએ કહ્યું છે કે શરૂઆતમાં તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે નક્કી સમયગાળામાં આ રકમ 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે પાછી આપવામાં આવશે. એપ્રિલ, 2016માં શિલ્પા શેટ્ટીએ લેખિત રૂપે વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી, પરંતુ થોડા જ મહિનામાં તેમણે કંપનીમાંથી ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું. બાદમાં કોઠારીને ખબર પડી કે કંપની સામે પહેલે જ 1.28 કરોડ રૂપિયાની ઈન્સોલ્વન્સીનો કેસ ચાલી રહ્યો છે, જેની જાણ તેમને કરવામાં આવી નહોતી.

હાલમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ આ આરોપોને બિનઆધારભૂત ગણાવ્યા છે અને કહ્યું છે કે આ દંપતીની છબી ખરાબ કરવાની કોશિશ છે. આર્થિક ગુનો શાખા (EOW) હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ટ્રાવેલ લોગ્સની તપાસ કરી રહી છે. કંપનીના ઓડિટરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સરળ ભાષામાં કહીએ તો લુકઆઉટ નોટિસનો અર્થ એ છે કે જે વ્યક્તિ પર કેસ કે તપાસ ચાલી રહી છે, તે પરવાનગી વગર દેશ બહાર જઈ શકતો નથી.