રાજકોટ: લોકસભાની આ હાઈ પ્રોફાઈલ બેઠક હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે અહીં પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. તેઓ 16મી એપ્રિલના રોજ કાગવડ ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે.રાજકોટમાં રૂપાલાને ટક્કર આપવા મેદાને ઉતરેલા વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ફોર્મ ક્યારે ભરશે તે તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તેઓ મંગળવારથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે. બપોરે 3 વાગ્યે તેઓ ખોડલધામ જઈને કુળદેવી ખોડલ માતાજીના દર્શને કરશે. ત્યાંથી વીરપુર જલારામ મંદિર થઈને રાજકોટ આવશે. રાજકોટમાં પાંચ વાગ્યે રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરીને બાદમાં જે મંદિરે ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા વિરુદ્ધ ધરણાં કર્યા હતાં, તે આશાપુરા માતાજીના મંદિરે જઈને દર્શન કરશે.પરેશ ધાનાણી મંગળવારે જ સાંજે વાંકાનેર ઉર્ષમાં પણ હાજરી આપશે. વેલનાથ મહાદેવના મંદિરે જશે અને રાત્રે રાજકોટ પરત આવશે. તારીખ 17મીએ તેઓ રાજકોટમાં સરદારની પ્રતિમાને ફૂલહાર કરશે અને સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. રાજકોટ લોકસભાના જંગમાં રૂપાલાએ પ્રચારના લગભગ બે રાઉન્ડ પૂર્ણ કરી દીધા છે. ત્યારે હવે પરેશ ધાનાણી પણ નામ જાહેર થયા બાદ ઝંઝાવતી પ્રચાર શરૂ કરી રહ્યા છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ )