રાજકોટ: સમગ્ર ગુજરાતની નજર જેના ઉપર છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર એક સમયે ક્ષત્રિય મહિલાઓએ 400 જેટલા ઉમેદવારી ફોર્મ ભરીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા અને ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલી વધારવા રણનીતિ ઘડી હતી. પરંતુ ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ છે ત્યારે રાજકોટ બેઠક ઉપર માત્ર 16 જ ફોર્મ ભરાયા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ક્ષત્રિય મહિલાઓએ તેમની રણનીતિમાં બદલાવ કેમ કર્યો?ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિવાદ થયા બાદ ક્ષત્રિય મહિલાઓએ રણનીતિના ભાગરૂપે ચૂંણીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું ત્યારે પ્રથમ દિવસે જ રાજકોટ કલેકટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ લેવા કતાર લગાવી હતી. પહેલે દિવસે જ 300 જેટલા ફોર્મ ઉપડ્યા હતા. એ સમયે ક્ષત્રિય મહિલાઓએ એવું કહ્યું હતું કે અમે રાજકોટ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવીશું.
જો કે ફોર્મ ભરવાની અંતિમ મુદત પૂરી થઈ છે ત્યારે સત્તાવાર માહિતી મુજબ કુલ 16 ઉમેદવારોએ 28 ફોર્મ રજૂ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને 10 અપક્ષ ઉમેદવારોના ફોર્મ ભરાયાં છે.
દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવા ગયા એ અગાઉ વિશાળ સ્વાભિમાન સભા યોજાઈ હતી. એ સમયે કેટલીક ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને રાખડી બાંધી હતી અને એવું કહ્યું હતું કે અમે હવે ફોર્મ ભરવાના નથી.કારણ કે બેલેટ પેપરથી મતદાન થાય તેમ નથી અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી શક્યતા નથી. એટલે અમારી પાસે હવે કોંગ્રેસને સમર્થન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો કે ક્ષત્રિય મહિલાઓની રણનીતિ બદલવાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)