મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં મરાઠી, ગુજરાતી, મુસ્લિમ, કૅથલિક, મારવાડી, જૈન, કેર્લિયન, ઉત્તર પ્રદેશી અને બિહારી સમુદાય વસે છે. એમાંય મરાઠી અને ગુજરાતીઓનું વધુ પ્રમાણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભાની બેઠકો છે. મુંબઈની વાત કરીએ તો, મુંબઈ નોર્થ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ વેસ્ટ, મુંબઈ નોર્થ ઈસ્ટ, મુંબઈ સાઉથ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ, એમ કુલ 6 લોકસભાની બેઠકો છે. મુંબઈમાં 20 મેએ પાંચમાં તબક્કામાં મતદાન થશે.
BMCની ચૂંટણી હોય, વિધાનસભાનની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી, દરેક ચૂંટણીમાં મુંબઈમાં ગુજરાતી, મારવાડી અને જૈન સમુદાયોની મહત્વની ભૂમિકા રહી છે. આ ત્રણેય સમુદાય ભાજપના પરંપરાગત મતદારો રહ્યા છે. આ લોકસભા ચૂંટણીમાં પણ તે ભાજપ તરફી જોવા મળી શકે તો નવાઈ નહીં. ભાજપે પણ આ સમુદાયને જાળવી રાખવાનું કામ કર્યું છે. મુંબઈ કોંગ્રેસ પર છેલ્લા 40 વર્ષથી દેવરા પરિવારનું પ્રભુત્વ રહ્યુ છે, તેથી કોંગ્રેસમાં અહીંથી નવું ગુજરાતી-રાજસ્થાની નેતૃત્વ ઉભરી શક્યું નથી.મુંબઈમાં અંદાજીત 35 લાખ લોકો ગુજરાતી સમુદાયના છે, જેમાંથી 15 લાખ લોકો મતદારો છે. આમ, જોતા દર વખતની જેમ આ વખતે પણ મુંબઈમાં મતદાન દરમિયાન ગુજરાતી સમુદાયની મહત્વની ભૂમિકા રહેશે. મલાડ, કાંદિવલી અને બોરીવલી વિસ્તાર જે મકાબો તરીકે ઓળખાય છે, ત્યાં ગુજરાતી મતદારો વધુ પ્રમાણ છે. મકાબો વિસ્તાર મુંબઈ નોર્થ બેઠક અંતર્ગત આવે છે. આ બેઠક પર ભાજપ તરફથી પિયૂષ ગોયલ અને કોંગ્રેસ તરફથી ભૂષણ પાટીલ મેદાનમાં છે.આ બંનેમાંથી એક પણ ઉમેદવાર ગુજરાતી સમુદાયના નથી. જ્યારે કે આ બેઠક પર ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્વની છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કુલ મતદારો 9.24 કરોડ છે. રાજ્યના 36 જિલ્લામાંથી સૌથી વધુ 82. 82 લાખ કરતાં પણ વધારે મતદાર પુણે જિલ્લામાં તો મુંબઈ સબર્બ જિલ્લામાં 73.53 લાખ મતદાર નોંધાયા છે. મતદારોની સંખ્યા બાબતે થાણે જિલ્લો ત્રીજો છે, જેમાં 65 લાખ કરતા અધિક મતદારો છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રના મતદારોની સંખ્યા 34.6 લાખ વધીને 9.2 કરોડ થઈ છે, જેની સંખ્યા 2019માં 8.8 કરોડ હતી. આ વર્ષે 4.8 કરોડ પુરુષો અને 4.4 કરોડ મહિલા વોટર્સ છે. ડોર-ટુ-ડોર રજિસ્ટ્રેશનની ઝુંબેશ અને ઑનલાઇન વોટર-રજિસ્ટ્રેશન સિસ્ટમને કારણે મોટી સંખ્યામાં મહિલા વોટર્સની નોંધણી થઈ છે.
મુંબઈમાં કોણ કોની સામે
મુંબઈ નોર્થ: બોરીવલી, દહિસર,કાંદિવલી,ચારકોપ અને મલાડ સહિતના વિસ્તારો સામેલ
પીયૂષ ગોયલ, BJP
ભૂષણ પાટીલ, કૉન્ગ્રેસ
મુંબઈ નોર્થ સેન્ટ્રલ: વિલે પાર્લે, કુર્લા, કલિના, બાન્દ્રા ઈસ્ટ અને વેસ્ટ સહિતના વિસ્તારોનો સમાવેશ
ઉજ્જવલ નિકમ, BJP
વર્ષા ગાયકવાડ, કૉન્ગ્રેસ
મુંબઈ નોર્થ ઈસ્ટ: મુલુંડ, વિક્રોલી, ભાંડુપ વેસ્ટ, ઘાટકોપર વેસ્ટ અને ઈસ્ટ સહિતના વિસ્તારો સામેલ
મિહિર કોટેચા, BJP
સંજય દીના પાટીલ, શિવસેના (UBT)
મુંબઈ નોર્થ વેસ્ટ: જોગેશ્વરી ડિંડોશી, ગોરેગાંવ, વર્સોવા, અંધેરી ઈસ્ટ અને અંધેરી વેસ્ટ સહિતના વિસ્તારોનો સમાવેશ
રવીન્દ્ર વાયકર, શિવસેના
અમોલ કીર્તિકર, શિવસેના (UBT)
મુંબઈ સાઉથ: ભાયખલા, કરિ રોડ, ડોકયાર્ડ રોડ અને સીએસએમટી જેવા વિસ્તારોનો સમાવેશ
યામિની જાધવ, શિવસેના
અરવિંદ સાવંત, શિવસેના (UBT)
મુંબઈ સાઉથ સેન્ટ્રલ: દાદર, માટુંગા, સાયન, વડાલા, ચેમ્બુર સહિતના વિસ્તારોનો સામેલ
રાહુલ શેવાળે, શિવસેના
અનિલ દેસાઈ, શિવસેના (UBT)
લોકસભા ચૂંટણી 2024માં મુંબઈની બેઠક પર નોન મરાઠી ઉમેદવારની વાત કરીએ તો માત્ર બે જ છે. જે બંને ઉમેદવાર ભાજપ પાર્ટીના છે. મુંબઈ નોર્થ પર પિયૂષ ગોયલ અનેમુંબઈ નોર્થ ઈસ્ટ પર મિહિર કોટેચા. આ વખતે ગુજરાતી ઉમેદવાર ફકત એક જ છે, મિહિર કોટેચા. મુલુંડ અને ઘાટકોપરમાં ગુજરાતી વસ્તી હોવાથી આ બેઠક પર ગુજરાતી સમુદાયનું સમીકરણ અસર કરી શકે છે.