શું જયશંકરના ઇશારે લલિત મોદી ના ઘરના કે ના ઘાટના રહ્યા

નવી દિલ્હીઃ  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના ભાગેડુ આરોપી લલિત મોદીને મોટો આંચકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલાં લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આ સ્થિતિમાં લલિત મોદી ‘ના ઘરના રહ્યા, ના ઘાટના’ જેવો ઘાટ સર્જાયો છે.

વિદેશ મંત્રાલયે કરી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. 2010માં ભારતથી ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો. તેણે અનેક વખત ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા પછી એવું બહાર આવ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેની પાસે ગોલ્ડન પાસપોર્ટ છે. વનુઆતુ શ્રીમંત લોકોને તેના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાંથી પાસપોર્ટ ફક્ત 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મેળવી શકાય છે. જોકે અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વનુઆતુના PMએ તેના નાગરિકતા પંચને તેનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.

જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે વનુઆતુએ આ પગલું આપમેળે લીધું છે કે ભારતના હસ્તક્ષેપ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વનુઆતુને ફ્રાન્સ અને બ્રિટનથી 1980માં જ સ્વતંત્રતા મળી. હાલમાં 83  નાના જ્વાળામુખી ટાપુઓથી બનેલા આ દેશની કુલ વસતિ ફક્ત ત્રણ લાખની આસપાસ છે. આ દેશ પર્યટનની દ્રષ્ટિએ ઘણો સારો માનવામાં આવે છે.

વનુઆતુ મિડિયામાં એવા અહેવાલ છે કે ભારતના દબાણ બાદ જ સ્થાનિક વહીવટી તંત્રે લલિત મોદી સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરાવવામાં ન્યુ ઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે મોટી ભૂમિકા ભજવી હતી. વનુઆતુને પહેલા લલિત મોદીના રેકોર્ડની જાણ નહોતી. તેના ભાગેડુ હોવાની માહિતી મળ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.