કેનેડામાંથી હિન્દુઓને ખદેડી મૂકવાની ખાલિસ્તાનીઓની માગ

ટોરન્ટોઃ  કેનેડામાં ફરી એક વાર હિન્દુઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે. ટોરેન્ટોમાં એક હિન્દુવિરોધી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનેડામાં હાલમાં જ ચૂંટણી થઈ હતી અને માર્ક કાનીની જીત સાથે ફરીથી PMપદ સંભાળ્યું હતું.

કેનેડામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયો અને ખાસ કરીને હિન્દુઓ વિરોધી પ્રવૃત્તિઓએ જોર પકડયું છે. અગાઉ કેનડા PM જસ્ટિન ટ્રુડો સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ રહ્યા ત્યારે હવે માર્ક કાર્નીના શાસનમાં પણ માહોલ બદલ્યો હોય તેમ જણાતું નથી.કેનેડાના ટોરન્ટોમાં ખાલિસ્તાનીઓએ એક આખી પરેડ યોજી અને જાહેરમાં હિન્દુઓને અહીંથી ખદેડી મૂકવાની માગણી કરી હતી. ટોરન્ટોના મલટન ગુરુદ્ધારા બાદ થયેલી આ પરેડનો એક વિડિયો અહીંના પત્રકાર ડેનિયલ બોર્ડમેને શેર કર્યો હતો અને કાર્નીને સવાલ કરતાં લખ્યું હતું કે જેહાદીઓ આપણા રસ્તાઓ પર દહેશત ફેલાવી યહુદીઓને સતાવી રહ્યા છે ત્યારે આપણા સામાજિક સંબંધોને બગાડવામાં ખાલિસ્તાનીઓ પણ પાછળ નથી. ખાલિસ્તાનીઓ પણ નફરત ફેલાવી રહ્યા છે. શું માર્ક કાર્નીનું કેનેડા ટ્રુડોના કેનેડાથી અલગ હશે.

તેમની પોસ્ટ પર રિએક્શન આપતાં બિંદા નામના એક યુઝરે દાવો કર્યો કે ખાલિસ્તાનીઓએ આઠ લાખ હિન્દુઓને દેશમાંથી બહાર કાઢવાની માગણી સાથે પરેડ કરી. આ હિન્દુઓ માત્ર ભારતીયો જ નથી, દેશ-વિદેશથી આવ્યા છે. આ સ્પષ્ટ રીતે હિન્દુઓવિરોધી નફરત ફેલાવવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શન કરતા ખાલિસ્તાનીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન જયશંકરના પૂતળા બનાવ્યા હતા અને તેને પાંજરામાં પૂરીને જાહેરમાં રાખ્યા હતા. આ પ્રકારે જાહેરમાં આવાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે સરકાર અને સ્થાનિક હિન્દુઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થાય છે.