નવી દિલ્હીઃ કાવડ યાત્રા પહેલાં ઉત્તરાખંડની સિંહ ધામી સરકાર દ્વારા ઢાબા, રેસ્ટોરાં અને ખાવા-પીવાની તમામ દુકાનો માટે નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર કાવડ યાત્રાના રૂટ પર આવેલી દુકાનોના માલિકોએ લાઈસન્સથી લઈને પોતાનું નામ અને ઓળખપત્ર (ID) દુકાન પર સ્પષ્ટ રીતે લગાવવું ફરજિયાત રહેશે. સરકારનું કહેવું છે કે જો કોઈ આ આદેશનું પાલન નહીં કરે તો તે દુકાનો અને ઢાબાઓ બંધ કરી દેવામાં આવશે. એ સાથે જ બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.
CM પુષ્કર સિંહ ધામી અને આરોગ્ય મંત્રી ધનસિંહ રાવતે મંગળવારે જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ લાખો શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સલામત ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાની દેખરેખ માટે વિશાળ દેખરેખ અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કાવડ યાત્રા 11 જુલાઈથી શરૂ થવાની છે. આ મામલે આરોગ્ય સચિવ અને ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વ્યવસ્થાપન કમિશનર ડો. આર. રાજેશ કુમારે જણાવ્યું હતું કે કાવડ યાત્રાના રૂટ પર આવેલા તમામ હોટેલ, ઢાબા, ફૂડ સ્ટોલ અને વેચાણકર્તાઓ માટે ફરજિયાત સૂચનાઓ જારી કરવામાં આવી છે.
સરકારી નિવેદન મુજબ દરેક ખાદ્ય વેચાણકર્તાએ પોતાના સ્થળ પર ગ્રાહકોને દેખાય એ રીતે લાઈસન્સ અથવા નોંધણી પ્રમાણપત્રની સ્વચ્છ નકલ સ્પષ્ટ રીતે મૂકવી ફરજિયાત છે. નાના વેચાણકર્તાઓ અને ફેરીવાળાઓએ ફોટો ઓળખપત્ર અને નોંધણી પ્રમાણપત્ર રાખવું અને તેને પણ બતાવવું પડશે.
