અમદાવાદ: 25 ડિસેમ્બર ક્રિસમસ શરુ થાય એટલે 31 ડિસેમ્બર સુધી ઘણાં દેશોમાં કાર્નિવલની ઉજવણી થાય છે. હેરિટેજ સિટી અમદાવાદના કાંકરિયા તળાવના વિશાળ પરિસરમાં આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી કાંકરિયા કાર્નિવલની ભવ્ય ઉજવણીની શરૂઆત કરી હતી.
કાંકરિયા તળાવ જૂના સ્થાપત્ય અને આધુનિકતાના સમન્વય શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાંકરિયા તળાવનું નવીનીકરણ કર્યું એ વર્ષના છેલ્લા સપ્તાહમાં કાંકરિયાના કિનારે ભવ્ય કાર્નિવલની શરૂઆત થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત કાંકરિયા કાર્નિવલ 2025ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિત અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂઆત થઈ ગઈ છે.
સ્વચ્છતામાં અગ્રેસર અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલની શરૂઆત ભવ્ય ‘લાઈટ એન્ડ શો ‘ સાથે થઈ હતી. આ સાથે વોકલ ફોર લોકલ, કોમન વેલ્થ ગેમ, સાયકલ, રાષ્ટ્ર ધ્વજ જેવી અનેક થીમ સાથે ડ્રોન શોની મજા કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં લોકોએ માણી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની શરુઆતમાં જ કિર્તીદાન ગઢવી અને સાથી કલાકારોના પરફોર્મન્સથી લોકો ઝુમી ઉઠ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખાય કાર્નિવલ પર નજર રહે એ માટે આધુનિક સી.સી.ટી.વી કેમેરા લગાવ્યા છે. આ સાથે કંટ્રોલ રૂમ સાથેનો સ્ટાફ, ફાયર બ્રિગેડ, હોમ ગાર્ડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કાંકરિયા કાર્નિવલની ઉજવણીને દેશ વિદેશથી આવતા લોકો માટે વધુ સરળ બનાવી રહ્યો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)




