ગાઝા: ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં ટેન્ક ઉતારીને જમીન પર હુમલો કર્યો છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) અનુસાર, તેણે ગાઝા પટ્ટીના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યુ છે. આ IDF ગ્રાઉન્ડ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઉત્તર અને દક્ષિણ ગાઝા વચ્ચે બફર ઝોન બનાવવાનો અને ઇઝરાયલી સરહદ પર સુરક્ષા ઝોનનો વિસ્તાર કરવાનો છે.
⭕️ IDF troops began targeted ground activities in central and southern Gaza, over the past day, in order to expand the security zone and to create a partial buffer between northern and southern Gaza. As part of the ground activities, the troops expanded their control further to… pic.twitter.com/TI4068LAJd
— Israel Defense Forces (@IDF) March 19, 2025
ઉત્તર અને દક્ષિણ ગાઝાને અલગ કરતા નેત્ઝારિમ કોરિડોરમાં IDFના 252મા ડિવિઝનના સૈનિકો ઘૂસ્યા છે. સેનાએ તેના અડધાથી વધુ વિસ્તાર પર પણ કબજો કરી લીધો છે. બીજી તરફ, રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે ધમકી આપી છે કે જો બંધકોને પરત નહીં કરવામાં આવે તો હમાસનો સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે.
જેરુસલેમમાં નેતન્યાહૂ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
બુધવારે રાત્રે જેરુસલેમમાં હજારો લોકો નેતન્યાહૂ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓ ઇઝરાયલી ગુપ્તચર એજન્સી શિન બેટના વડા રોનેન બાર અને એટર્ની જનરલ ગાલી બહરાવ-મિયારાને તેમના પદ પરથી દૂર કરવાના અને ગાઝામાં યુદ્ધ ફરી શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનથી પાણીનો મારો કર્યો. પોલીસે રસ્તાઓ બ્લોક કરવાના આરોપમાં 12 લોકોની ધરપકડ પણ કરી છે.
એટર્ની જનરલ ગલી બહારાવ-મિયારાએ શિન બેટના વડા રોનેન બારને હટાવવાના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. આ પછી, નેતન્યાહૂએ મિયારાને પણ પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. નેતન્યાહૂ પર આરોપ છે કે તેઓ સાથીઓ અને હમાસ અને કતાર વચ્ચેના ગુપ્ત ડીલની તપાસ રોકવા માટે રોનાનને હટાવવા માંગતા હતા. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના ભૂતપૂર્વ વડા, તામીર પારદોએ નેતન્યાહૂને દેશની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે.
ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું – અમે ગાઝામાં નર્કના દરવાજા ખોલીશું
ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે મંગળવારે હમાસને ચેતવણી આપી હતી કે જો બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ગાઝામાં નર્કના દરવાજા ખોલવામાં આવશે. હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું. હમાસે ધમકી આપી છે કે આ પગલાથી તેની કસ્ટડીમાં રહેલા ઇઝરાયલી બંધકોના જીવ જોખમમાં મુકાશે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલાઓ કર્યા હતા.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે. ઇઝરાયલે છેલ્લા બે અઠવાડિયાથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના સપ્લાયને રોકી દીધો છે અને હમાસને યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માંગ કરી છે.
