ઈઝરાયલી બંધકોને હમાસ ઈરાનને સોંપશે, રશિયામાં કરી મોટી જાહેરાત

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક બની રહ્યું છે, છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 6500થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજારો લોકો ઘાયલ થયા છે. આ યુદ્ધમાં હમાસના લડવૈયાઓએ સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા છે. હવે હમાસ તેમને મુક્ત કરવા તૈયાર છે. ઈરાનના મંત્રી સાથે રશિયા પહોંચેલા હમાસના પ્રતિનિધિ મંડળે આ જાહેરાત કરી છે. જોકે, હમાસ આ બંધકોને ઈઝરાયેલને નહીં પરંતુ ઈરાનને સોંપશે. ગુરુવારે હમાસનું પ્રતિનિધિમંડળ ઈરાનના વિદેશ મંત્રી સાથે રશિયા પહોંચ્યું હતું. મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રાલયમાં પુતિનના વિશેષ દૂત મિખાઈલ બોગદાનોવ સાથે બેઠક યોજાઈ હતી. આ મુદ્દાનો મુખ્ય એજન્ડા ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ દ્વારા સતત હુમલા રોકવાનો હતો. અહીં યોજાયેલી બેઠક બાદ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે હમાસ યુદ્ધ દરમિયાન બંધક બનેલા સૈનિકો અને નાગરિકોને છોડવા અને ઈરાનને સોંપવા તૈયાર છે.

પેલેસ્ટાઈનનો સ્વતંત્રતાનો અધિકાર

રશિયામાં યોજાયેલી બેઠકમાં હમાસના પ્રતિનિધિમંડળે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા રોકવાની માંગ કરી હતી. હમાસના પ્રતિનિધિમંડળે પેલેસ્ટિનિયન લોકોના સ્વતંત્રતાના અધિકારનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રતિનિધિ મંડળે કહ્યું કે ઈઝરાયેલે 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન નાગરિકો પર હુમલો કર્યો હતો, આ હજુ પણ ચાલુ છે. આ યુદ્ધ અપરાધ જેવું છે, તેને યોગ્ય ગણી શકાય નહીં.

હમાસે રશિયાના વલણની પ્રશંસા કરી

રશિયા પહોંચેલા હમાસના પ્રતિનિધિ મંડળે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે રશિયાના વલણની પ્રશંસા કરી હતી. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ પ્રકારના હુમલા રોકવા માટે જવાબદારી લેવા અપીલ કરી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના વિશેષ દૂત બોગદાનાવે પેલેસ્ટાઈનના લોકોના અધિકારો માટે તેમના દેશના સમર્થનનો અવાજ ઉઠાવ્યો હતો. આ પહેલા હિઝબુલ્લાહ, હમાસ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદના વડાઓ પણ એક દિવસ પહેલા લેબનીઝ રાજધાનીમાં મળ્યા હતા. કહેવાય છે કે આ બેઠકમાં ત્રણેય સંગઠનોએ ઈઝરાયેલ સામે પૂરી તાકાતથી લડવા પર ચર્ચા કરી હતી.