સુરત: શહેરમાં ભારતની અગ્રણી 10 ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટની સીઝન- 3નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ત્રીજી સીઝન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં કુલ 44 મેચ રમાશે.
આ સીઝનમાં આઠ ટીમો ભાગ લેશે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ, ટાઇગર્સ ઓફ કોલકાતા, શ્રીનગર કે વીર, ચેન્નાઈ સિંઘમ્સ, બેંગલુરુ સ્ટ્રાઇકર્સ, ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી સુપર હીરોઝ અને અમદાવાદ લાયન્સ ટીમનો સમાવેશ થાય છે. ISPL સીઝન 3માં અભિષેક દલ્હોર, સૈફ અલી, વિજય પાવલે, જગન્નાથ સરકાર અને અંકુર સિંહ જેવા ભારતના અનેક પ્રતિભાશાળી નવોદિતો જોવા મળશે.
સુરતમાં લીગની માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીગ કમિશનર અને કોર કમિટીના સભ્ય સૂરજ સામત, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડો. નૈમેષ કે. દેસાઈ અને પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) દીપક ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી સીઝન વિશેની માહિતી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં લીગ કમિશનર અને ISPLના કોર કમિટી સભ્ય, સૂરજ સામતે જણાવ્યું, “છેલ્લી બે સીઝનમાં, અમે લીગમાંથી ઉભરતા ખેલાડીઓની ગુણવત્તામાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વૃદ્ધિ સીઝન-3માં પણ જળવાઈ રહેશે. અમને વિશ્વાસ છે કે આ સીઝનને અત્યંત રોમાંચક બનાવવામાં સુરત મહત્વની ભૂમિકા ભજવશે.”
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડૉ. નૈમેશ કે. દેસાઈએ જણાવ્યું, “લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ISPL સીઝન-3નું આયોજન કરવું એ સુરત માટે અત્યંત ગર્વની વાત છે. અમે દરેક ટીમ, ખેલાડીઓ અને સમર્થકોને સ્ટેડિયમમાં આવકારવા માટે આતુર છીએ.”
ISPLના ઓપરેશન વિભાગના પ્રેસિડેન્ટ દીપક ચૌહાણે જણાવ્યું, “અમારું સમગ્ર ધ્યાન સુરતમાં મેચના દિવસની કામગીરીથી લઈને કિફાયતી ટિકિટિંગ સુધીનો અવરોધરહિત અને ફેન-ફ્રેન્ડલી અનુભવ ઉપલબ્ધ બનાવવા પર કેન્દ્રિત છે. રૂ.99થી શરૂ થતી ટિકિટ અને ચાહકો માટે મલ્ટિપલ એક્સેસ પોઇન્ટ સાથે, અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે શહેરના દરેકને ISPL સીઝન-3નો ભાગ બનવાની અને વિશ્વ કક્ષાની એક્શનનો રોમાંચ માણવાની તક મળે.”
ISPL સીઝન-3નો પ્રારંભ માઝી મુંબઈ અને શ્રીનગર કે વીર વચ્ચેના ભવ્ય મુકાબલા સાથે થશે. આ મેચ અગાઉ સાંજે 5:30 વાગ્યાથી એક શાનદાર ઉદઘાટન સમારોહ યોજાશે.


