ઈરાન: હિજાબને લઈને વધી રહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિરોધ વચ્ચે ઈરાને હિજાબ કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ગયા શુક્રવારથી અમલમાં આવેલા વિવાદાસ્પદ ‘હિજાબ અને પવિત્રતા કાયદા’ના અમલને અટકાવી દીધો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને હિજાબ કાયદા અંગે કહ્યું કે આ કાયદો અસ્પષ્ટ છે અને તેમાં સુધારાની જરૂર છે. તેમણે સંકેત આપ્યો છે કે અમલ કરતા પહેલા તેની જોગવાઈઓ પર પુનઃર્વિચાર કરવામાં આવી શકે છે.ઈરાનના વિવાદાસ્પદ કાયદામાં એવી મહિલાઓ અને છોકરીઓ માટે સખત સજાની જોગવાઈ છે, જેઓ વાળ, હાથ અને પગને સંપૂર્ણપણે ઢાંકતી નથી. કાયદામાં આવી છોકરીઓ અને મહિલાઓને દંડ અને 15 વર્ષ સુધીની લાંબી જેલની સજાનો સમાવેશ થાય છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ સહિત અનેક માનવાધિકાર સંગઠનોએ આ કાયદાની નિંદા કરી છે.
પેઝેશ્કિયનનું વચન અને કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ!આ વર્ષની શરૂઆતમાં, પ્રમુખપદની ચૂંટણી દરમિયાન, પેઝેશ્કિયને હિજાબને લઈને મહિલાઓ સાથે સરકારના વ્યવહાર સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે વ્યક્તિગત સ્વતંત્રતાઓનો આદર કરવાનું વચન આપ્યું હતું. જે યુવાન ઈરાનીઓમાં લોકપ્રિય સાબિત થયું. મહિલા અને પારિવારિક બાબતોના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ માસૌમેહ એબ્ટેકરે પણ કાયદાની ટીકા કરી અને તેને ‘અડધી ઈરાની આબાદી પર અત્યાચાર’ સમાન ગણાવ્યો.
ઈરાની ગાયકની ધરપકડથી આક્રોશ
ગયા અઠવાડિયે પ્રસિદ્ધ ગાયિકા પરસ્તુ અહમદીની ધરપકડ બાદ ઈરાનમાં હિજાબની ચર્ચાએ જોર પકડ્યું હતું. અહમદીએ હિજાબ પહેર્યા વિના યુટ્યુબ પર વર્ચ્યુઅલ કોન્સર્ટ કર્યો. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. વિડીયો વાયરલ થતાની સાથે જ ઈરાની સિંગર અને તેના બેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જો કે, વધી રહેલા વિરોધને જોતા, અધિકારીઓએ તેમને એક દિવસ પછી છોડી દીધા હતા.મહસા અમીની નામની કુર્દિશ મહિલાના મૃત્યુ પછી 2022 માં ઈરાનમાં હિજાબ વિરોધી વિરોધ શરૂ થયો. જે હજુ પણ ચાલુ છે. અમીનીને કથિત રીતે ડ્રેસ કોડના ઉલ્લંઘન માટે કસ્ટડીમાં રાખવામાં આવી હતી. જ્યાં તેણીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અમીનીના મૃત્યુ પછી, ઘણી યુવાન ઈરાની મહિલાઓએ ખુલ્લેઆમ હિજાબના નિયમોનો ભંગ કર્યો છે અને સરકારી સત્તાને પડકારી છે.
