નવી દિલ્હીઃ YOUTUBE દ્વારા ટ્રિબેકા એન્ટરપ્રાઈઝીઝ સાથે મળીને “We Are One” ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 10 દિવસ સુધી વિશ્વભરની નવી નવી ફિલ્મો દેખાડવામાં આવશે. લોકડાઉન દરમિયાન શરુ કરવામાં આવેલી આ પહેલ યૂઝર્સને ખૂબ પસંદ આવશે. ખાસ વાત એ છે કે આ ફેસ્ટિવલ અંતર્ગત નવી અને ક્લાસિક ફિલ્મો બતાવવામાં આવશે. સાથે જ આના માટે યૂઝર્સને અલગથી કોઈ પેમેન્ટ કરવાની જરુર નથી. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વીટર પર પોસ્ટ શેર કરતા આ ફિલ્મ ફેસ્ટિવલની જાણકારી આપી છે. આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફેસ્ટિવલ 10 દિવસ સુધી ચાલશે. ફેસ્ટિવલની શરુઆત 29 મેથી થશે અને 7 જૂન સુધી આમાં હિંદી ફિલ્મો જોઈ શકાશે. આ ફેસ્ટિવલમાં કોઈ એક દેશની જ નહી પરંતુ વિશ્વભરની ફિલ્મોનો સમાવેશ થાય છે. 10 દિવસ સુધી યૂટ્યૂબ ફેસ્ટિવલનું યજમાનપદ સંભાળશે.
ટ્રિબેકા એન્ટરપ્રાઈઝીઝ અને યુ-ટ્યુબના આ કાર્યક્રમમાં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, સિડની ફિલ્મ ફેસ્ટિવલ, ટોક્યો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ, વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ, ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો સમાવેશ થાય છે. 10 દિવસ સુધી આ તમામના પ્રોગ્રામિંગ સાથે આ ફેસ્ટિવલ ચાલશે.
આ ફિલ્મ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય કોરોના વાયરસ માટે રિલીફ ફંડ એકત્ર કરવાનો છે. યૂટ્યૂબ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર વિશ્વભરમાં 20 થી વધારે ફિલ્મ ફેસ્ટિવલ્સ સાથે મળીને 10 દિવસ સુધી ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ફિલ્મો ડિસ્કવર કરવાની સાથે જ જોઈ પણ શકાશે. ફેસ્ટિવલ દરમિયાન એકત્ર થનારી રકમને કોરોના વાયરસ રિલીફ ફંડમાં આપવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા માટે આપને ચેનલ સબ્સક્રાઈબ કરવાની રહેશે. આ સર્વિસ ફ્રી છે અને આના માટે કોઈ ચાર્જ આપવો પડશે નહી.