મોદીને ટ્વિટર પર અનફોલો કેમ કર્યા? વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી

વોશિંગ્ટનઃ મહાસત્તા અમેરિકા હાલ કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે અને આ સંકટ વચ્ચે ભારતે તેને મદદ કરે છે. આવા સમયે બંને દેશ વચ્ચે ટ્વિટર એક મુદ્દો બની ગયો. વ્હાઈટ હાઉસના ટ્વિટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અન્ય ભારતીય ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દેવામાં આવ્યા છે. ભારતમાં આ મામલે સવાલો ઉઠ્યા છે. આખરે વ્હાઈટ હાઉસે આ મામલે જવાબ આપ્યો છે.  વ્હાઈટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ અમેરિકી રાષ્ટ્રપતિ કોઈ દેશની યાત્રા પર જાય છે તે સમયે વ્હાઈટ હાઉસ દ્વારા તે દેશોના અધિકારીક ટ્વિટર અકાઉન્ટને ફોલો કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા ત્યારે વ્હાઈટ હાઉસે વડાપ્રધાન મોદી સહિત અન્ય ટ્વિટર હેન્ડલને ફોલો કર્યા હતા.

વ્હાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યાનુસાર, વ્હાઈટ હાઉસ માત્ર અમેરિકી સરકાર સાથે જોડાયેલા ટ્વિટર હેન્ડલને ફોલો કરે છે. પરંતુ રાષ્ટ્રપતિની કોઈ દેશમાં વિઝિટ દરમિયાન તે દેશના વડાને ફોલો કરવામાં આવે છે કે જેથી સંદેશ સતત રિટ્વીટ થઈ શકે. વ્હાઈટ હાઉસના અધિકારીનું કહેવું છે કે આ એક રેગ્યુલર પ્રોસેસ છે.

ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસ દ્વારા થોડા સમય પહેલા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન કાર્યાલય, ઈન્ડિયન એમ્બેસી, ભારતમાં અમેરિકી એમ્બેસી જેવા ટ્વિટર હેન્ડલને ફોલો કરવામાં આવ્યા હતા.

પરંતુ ગયા બુધવારે આ તમામને અનફોલો કરી દેવામાં આવ્યા હતા અને તેને લઈને ભારતમાં ચર્ચાનો દોર શરુ થયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આને લઈને પ્રહારો કર્યા હતા અને વિદેશ મંત્રાલયને અપીલ કરી હતી કે તે આ મામલાને અમેરિકા સમક્ષ ઉઠાવે.

ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસનું ટ્વિટર હેન્ડલ અત્યારે માત્ર 13 જણને ફોલો કરે છે કે જે અમેરિકી સરકારના ટોચના લોકોનું હેન્ડલ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે પ્રથમ અધિકારિક યાત્રા પર ગયા ફેબ્રુઆરીમાં ભારત આવ્યા હતા. અમદાવાદ, આગ્રા અને નવી દિલ્હીમાં ટ્રમ્પનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]