મહિલાઓનું માત્ર બાળકો પેદા કરવાનું કામઃ તાલિબાન

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારમાં મહિલાઓને સામેલ કરવાની બધી સંભાવનાઓને ફગાવી દેતાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે મહિલાઓને માત્ર બાળકો પેદા કરવા સુધી સીમિત રાખવી જોઈએ. એક કટ્ટર તાલિબાન સરકારની રચનાથી નારાજ અફઘાનિસ્તાનની સેંકડો મહિલાઓ જીવના જોખમે એનો વિરોધ કરવા રસ્તા પર ઊતરી આવી હતી.

તાલિબાનના પ્રવક્તા સૈયદ જકરુલ્લા હાશિમીએ વિરોધ-પ્રદર્શનો અને માત્ર પુરુષોની સરકાર પર નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે એક મહિલા પ્રધાન ના બની શકે, એ એવું કંઈક છે, જેથી તમે તેમના ગળામાં કંઈ નાખો છો, જેને તે નથી ઉઠાવી શકતી. મહિલાઓએ માત્ર બાળકો પેદા કરવા જોઈએ. એક મહિલાએ કેબિનેટમાં હોવું જરૂરી નથી. આ મહિલા પ્રદર્શનકારી અફઘાનિસ્તાનમાં બધી મહિલાઓનું પ્રતિનિધિત્વ નથી કરી શકતી. અફઘાન મહિલાઓ છેલ્લા બે દાયકામાં મળેલા અધિકારોને ગુમાવવાના ડરથી ઝઝૂમી રહી છે.

તાલિબાને મહિલાઓનું સન્માન કરવાના અને તેમને નોકરી કરવા દેવાનું વચન આપ્યું હતું, પણ અત્યાર સુધી કેટલાંય ઉદાહરણો સામે આવી ચૂક્યાં છે, જેથી મહિલાઓએ પોતાની સુરક્ષા અને અધિકારની માગ માટે રસ્તા પર ઊતરી આવી હતી. તાલિબાને છેલ્લે 1996થી 2001 સુધી અફઘાનિસ્તાન પર શાસન કર્યું, ત્યારે મહિલાઓ કામ નથી કરી શકતી. છોકરીઓને સ્કૂલમાં જવાની મંજૂરી નહોતી અને મહિલાઓને ચહેરો ઢાંકી રાખવો પડતો હતો અને જો તેઓ ઘરની બહાર નીકળવા ઇચ્છે તો તેમની સાથે એક પુરુષ સંબંધી હોવો ફરજિયાત છે. એ પહેલાં તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓને રમતો રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

અફઘાનિસ્તાનમાં પુરુષ સરકારનો વિરોધ કરી રહેલી મહિલાઓને બુધવારે તાલિબાની ખદેડી દીધી હતી. તાલિબાને મહિલા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કોરડા અને લાકડીઓનો ઉપયોગ કર્યો હતો.