ધોળેદહાડે નરસંહારઃ ‘ગન લોબી’ પર ભડક્યા બાઇડન

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન નરસંહારના કેટલાક કલાકો પછી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે નવા બંદૂક પ્રતિબંધોનું આહવાન કર્યું હતું. જાપાનથી પરત ફરેલા રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાની ‘ગન લોબી’ પર નિશાન સાધ્યું હતું.

ટેક્સાસની પ્રાથમિક શાળામાં એક બંદૂકધારી દ્વારા 18 બાળકોની ગોળી મારીને હત્યાની ઘટનામાં દેશની બંદૂક સમર્થક લોબીની સામે ઊભા રહેવા માટે આહવાન કર્યું હતું. વ્હાઇટ હાઉસને આપેલા એક સંબોધનમાં બાઇડને કહ્યું હતું કે ભગવાનને નામે હવે આપણે ક્યારે બંદૂક લોબીની સામે ઊભા રહીશું.

તેમણે કહ્યું હતું કે આ દેશના પ્રત્યેક નાગરિક માટે, પ્રત્યેક માતા-પિતા માટે આ દુઃખમાં પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે. તેમણે ખુદનું દર્દ પણ શેર કરતાં કહ્યું હતું કે વર્ષ 1972માં તેમણે એક કાર દુર્ઘટનામાં પત્ની અને પુત્રીને ગુમાવી દીધાં હતાં. તેમણે કહ્યું હતું કે એક બાળકને ગુમાવવો એ તમારી આત્માનો એક ટુકડો ચીરવા જેવું છે. તમારા હ્દયમાં શૂન્યાવકાશ સર્જાય છે. તમે ક્યારેય પહેલાં જેવા નથી રહેતા.

બીજા દેશોમાં માનસિક આરોગ્યની સમસ્યા છે. તેમના ઘરેલુ વિવાદ છે, પણ વારંવાર આ પ્રકારના ગોળીબાર નથી થતા, જેવા અમેરિકામાં થાય છે. આપણે આ નરસંહારની સાથે જીવવા તૈયાર છીએ ? એમ તેમણે સવાલ કર્યો હતો.

અમેરિકામાં સામૂહિક બંદૂક હિંસાની બનેલી ઘટનામાં એક કિશોર બંદૂકધારીએ દક્ષિણ ટેક્સાસની એક પ્રાથમિક સ્કૂલમાં ગોળીઓ ચલાવી હતી, જેમાં 18 બાળકો સહિત ત્રણ વયસ્કોનાં મોત થયાં છે.