ઝુરીકઃ સ્વિટ્ઝરલેન્ડે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવાને લગતા નિયંત્રણોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. આ છૂટછાટોમાં વિદેશથી આવતા લોકોને પ્રવેશ આપવાનો પણ સમાવેશ થાય છે. સ્વિસ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે જે દેશોમાં (ભારત અને બ્રિટન) ચિંતા ફેલાવી છે ત્યાંથી લોકોને અમુક ચોક્કસ શરતો પર જ સ્વિટ્ઝરલેન્ડમાં પ્રવેશ અપાશે. હાઈ-રિસ્ક કેટેગરીમાં ભારતનો પણ સમાવેશ કરાયો છે.
જે વ્યક્તિઓએ કોવિશીલ્ડની રસીના બંને ડોઝ લઈ લીધા હશે અથવા જેઓ કોરોના બીમારીમાંથી સાજા થઈ ગયા હશે એમને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રવેશ કરવા દેવાશે અને અહીં એમની ફરીથી કોઈ ટેસ્ટ નહીં કરાય કે ન તો અહીં આવી પહોંચ્યા બાદ ક્વોરન્ટીનમાં મૂકવામાં આવશે. સ્વિસ સરકારે વેબસાઈટ પર મૂકેલા નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે યૂરોપિયન યૂનિયનના દેશો અને WHO સંસ્થા તરફથી જે કોરોના-પ્રતિરોધક રસીઓને માન્યતા આપવામાં આવી છે તેના બંને ડોઝ લેનારા લોકોને નિયમિત આવશ્યક્તાઓ અનુસાર સ્વિટ્ઝરલેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. જે ભારતીયોએ કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લઈ લીધા હશે એમને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રવેશ અપાશે, કારણ કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોવિશીલ્ડને માન્યતા આપી છે.