ભારતીય-પર્યટકો માટે માલદીવ 15-જુલાઈથી ફરી ખુલ્લું મૂકાશે

માલેઃ ટાપુરાષ્ટ્ર માલદીવની સરકારે જાહેરાત કરી છે કે તે આવતી 15 જુલાઈથી પોતાની સરહદોને દક્ષિણ એશિયાના દેશોના લોકોના પ્રવેશ માટે ખુલ્લી મૂકશે. આમાં ભારતનો પણ સમાવેશ કરાયો છે. આ જાહેરાતથી ભારતીયોને ઘણી રાહત થશે, જેઓ વિદેશ પ્રવાસે જવા આતુર બન્યાં છે. દેશના પર્યટન મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું છે કે માત્ર એક જ શરત રહેશે – આ દેશોના પર્યટકોએ એમની સાથે નેગેટિવ RT-PCR test સર્ટિફિકેટ રાખવું પડશે.

માલદીવના પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે એમની સરકારના નિર્ણયની જાહેરાત કરી છે. સોલિહે જોકે એમ પણ કહ્યું છે કે એમની સરકાર કોરોનાવાઈરસ રોગચાળાના સંદર્ભમાં 1-15 જુલાઈ વચ્ચે પરિસ્થિતિની નિયમિત રીતે સમીક્ષા કરતી રહેશે.