બ્રાઝિલે કોવાક્સિન ખરીદનો $32 કરોડનો સોદો રદ કર્યો

બ્રાસિલિયાઃ રાષ્ટ્રપતિ જેર બોલસોનારોની વિરુદ્ધ ગેરરીતિના આરોપો પરના વિવાદની વચ્ચે બ્રાઝિલના આરોગ્યપ્રધાન માર્સેલો ક્વિરોગાએ ભારત બાયોટેકની સાથે કોવાક્સિનને લઈને થયેલા સોદાને રદ કરવા ઘોષણા કરી હતી. દેશે ભારત બાયોટેકની કોવાક્સિનના બે કરોડ ડોઝ ખરીદવા માટે 32.4 કરોડ અમેરિકી ડોલરના ડીલને સસ્પેન્ડ કરી દીધો છે, એમ તેમણે જણાવ્યું હતું.

ફેડરલ કોમ્પટ્રોલર જનરલ (CGU) વેગનર રોસારિયોના પ્રમુખ આરોગ્યપ્રધાન માર્સેલો ક્વિરોગાની સાથે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં કહ્યું હતું કે એજન્સી રસી ખરીદ પ્રક્રિયાની તપાસ કરશે. અધિકારીઓ આગામી 10 દિવસોમાં આરોપોનો જવાબ આપશે. અમે આ સોદાને સ્થગિત કરીએ છીએ અને અમે ગયા સપ્તાહથી એક પ્રારંભિક તપાસ શરૂ કરી છે, જેના માટે એક ટીમ બનાવી છે. આ પ્રક્રિયા ઝડપી થવાની આશા છે અને અમને આશા છે કે 10 દિવસોમાં અમારી પાસે એનો જવાબ હશે, એમ તેમણે કહ્યું હતું. એવું મનાતું હતું કે જ્યાં સુધી આ મામલે તપાસ પૂરી નહીં થાય, ત્યાં સુધી સોદો રદ રહેશે.

 તેમના મંત્રાલયે ઉઠાવેલા મુદ્દાના બધાં પાસાંને ચકાસવા માટે એક વહીવટી તપાસ કરવામાં આવશે, જેવા અમારી પાસે નક્કર ડેટા આવશે, એવું અમે સંવાદ કરીશું, એમ તેમણે કહ્યું હતું.બોલસોનારો સરકાર અને બ્રાઝિલની દવા કંપની નીડ મેડિસિન્સના સોદાની દલાલીની વચ્ચે વાતચીત શંકાના ઘેરામાં રહી છે, જ્યારે સોદાની વાત સામે આવી, ત્યારથી બ્રાઝિલ સરકાર નિશાના પર છે. એને કારણે તપાસને ધ્યાનમાં રાખતાં સોદો રદ કરવામાં આવ્યો હતો.