બોલીવૂડની કોપી ન કરો, મૂળ કન્ટેન્ટ બનાવોઃ ઇમરાન ખાન

મુંબઈઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દેશના ફિલ્મ પ્રોડ્યુસર્સને ભારતના હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલીવૂડની નકલ કરવાને બદલે નવા અને મૂળ કન્ટેન્ટ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સલાહ આપી હતી. ઇસ્લામાબાદમાં એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ખાને કહ્યું હતું કે પ્રારંભમાં ભૂલો થઈ ગઈ, કેમ કે પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ બોલીવૂડથી પ્રભાવિત હતો, જેના પરિણામસ્વરૂપ અન્ય રાષ્ટ્રની સંસ્કૃતિની નકલ કરવાની અને અપનાવવાની પ્રથા પડી ગઈ. ખાને કહ્યું હતું કે યુવા પ્રોડ્યુસર્સને કહેવા ઇચ્છું છું કે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે વિશ્વમાં માત્ર મૌલિકતા વેચાય છે, નકલનું કોઈ મૂલ્ય નથી. તેમણે મૂળ કન્ટેન્ટ પર ભાર આપ્યો હતો અને પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગને નવેસરથી વિચારવાનો આગ્રહ કર્યો હતો.  

પાકિસ્તાનની લોકપ્રિય સંસ્કૃતિમાં હોલિવૂડ અને બોલીવૂડના પ્રભાવનો ઉલ્લેખ કરતાં ખાને કહ્યું હતું કે દેશમાં લોકો સ્થાનિક સામગ્રીને ત્યાં સુધી નથી જોતા, જ્યાં સુધી તેમાં વ્યાવસાયિક ઢબે બદલાવ ન થાય. હું યુવા પ્રોડ્યુસર્સને કહેવા માગું છે કે તેઓ ઓરિજિનિલ થિન્કિંગ કરે અને નિષ્ફળતાની ના ડરે. આ મારા જીવનનો અનુભવ છે કે જે હારથી ડરે છે, તે ક્યારેય જીતી નથી શકતો, એમ તેમણે કહ્યું હતું.

વિશ્વ એનું જ સન્માન કરે છે, જે ખુદનું સન્માન કરે છે. પાકિસ્તાનમાં એનો વ્યાપ વધારવો જોઈએ. વિશ્વમાં પાકિસ્તાનના નરમ વલણની ઇમેજ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે આતંકની સામેના યુદ્ધને મુદ્દે દેશના નરમ વલણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]