વોશિંગ્ટનઃ અમેરિકાની સંસદે સહયોગી એટર્ની જનરલના પદ માટે ભારતીય મૂળની અમેરિકી વનિતા ગુપ્તાના નામની પુષ્ટિ કરી છે, જે પછી તે પહેલી અશ્વેત વ્યક્તિ બની ગઈ છે, જે ન્યાય મંત્રાલયમાં ત્રીજા સૌથી મોટા પદે વિરાજમાન થશે. સેનેટમાં ગુપ્તાના પક્ષમાં 51 મત પડ્યા, જ્યારે 49 સંસદસભ્યોએ તેમની સામે મતદાન કર્યું હતું.
રિપબ્લિકન સેનેટર મુરકોવસ્કીએ પાર્ટીના વલણથી અલગી ચીલો ચાતરીને ગુપ્તાની તરફેણમાં મત આપ્યો હતો. જેથી ડેમોક્રેટ્સના પક્ષમાં 51 મત થયા હતા અને ઐતિહાસિક રૂપે ગુપ્તાના નામની પુષ્ટિ થઈ હતી.
સેનેટમાં જો એકસરખા મત પડ્યા હોત તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મત આપવા માટે હાજર હતા. અમેરિકામાં 100 સભ્યોના સેનેટમાં બંને પાર્ટીઓના 50-50 સભ્યો હોય છે.
ઇતિહાસ રચવા માટે અભિનંદન
રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે સહયોગી એટર્ની જનરલ તરીકે સેવા આપવા માટે પહેલી અશ્વેત મહિલાના રૂપે ઇતિહાસ રચવા માટે વનિતા ગુપ્તાને અભિનંદન. હવે સેનેટને ક્રિસ્ટન ક્લાર્કના નામની પણ પુષ્ટિ કરવા માટે અપીલ કરું છું. બંને બહુ યોગ્ય છે. અતિ સન્માનિત વકીલ છે, જે વંશીય સમાનતા અને ન્યાય પ્રતિ સમર્પિત છે. ગુપ્તા પહેલી નાગરિક અધિકાર વકીલ પણ છે, જે ન્યાય મંત્રાલયના ટોચનાં ત્રણ પદોમાંથી એક પર સેવા આપશે. સેનેટના પ્રમુખ ચક શૂમરે ગુપ્તાના નામની પુષ્ટિ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ અમારી ફેડરલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીમાં લાંબા સંમયથી અપેક્ષિત દ્રષ્ટિકોણ લાવશે.
