પાકિસ્તાનની સરકાર તોડી પડાયેલું મંદિર ફરી બાંધશે

પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કરાક જિલ્લામાં રોષે ભરાયેલા એક ટોળાએ તોડી પાડેલા એક હિન્દુ મંદિરને પ્રાંતની સરકાર ફરી બાંધી આપશે. ટોળાએ ટેરી વિસ્તારમાં એક હિન્દુ સંતના મંદિરની તોડફોડ કરી છે. હવે પ્રાંતીય સરકારે જાહેરાત કરી છે કે તે મંદિરને ફરી બાંધી આપશે અને હુમલાખોરોને પકડશે. શ્રી પરમહંસજી મહારાજના સમાધીસ્થળ મંદિરના વિસ્તરણને કારણે થયેલા વિવાદના મામલે હિંસક ટોળાએ ગયા બુધવારે મંદિર પર હુમલો કર્યો હતો અને સમાધીને આગ લગાડી હતી.

ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના મુખ્ય પ્રધાન મેહમૂદ ખાને મંદિરને ફરી બાંધવાની સંબંધિત સત્તાવાળાઓને સૂચના આપી છે. પોલીસે મંદિરમાં તોડફોડની ઘટનાના સંબંધમાં ધાર્મિક રાજકીય પાર્ટી ઉલેમા-ઈ-ઈસ્લામ-ફઝ્લના સ્થાનિક નેતા રેહમાન સલામ ખાટક સહિત 45 જણની ધરપકડ કરી છે.