વોશિંગ્ટનઃ ચીનમાં કોરોનાવાઈરસ મહામારીની નવી લહેર ફેલાઈ છે અને એને કારણે આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે ત્યારે અમેરિકાએ કહ્યું છે કે તે રોગચાળાને રોકવામાં ચીનને મદદરૂપ થવા તૈયાર છે. અમેરિકાએ કોરોના પ્રતિરોધક રસી પૂરી પાડવાની ઓફર કરી છે. પરંતુ, ચીનના સત્તાવાળાઓએ હજી સુધી મદદ માટે જણાવ્યું નથી, એમ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેને કહ્યું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં બ્લિન્કેને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ચીનમાં કોરોના રોગચાળાનો ફેલાવો અટકી જાય. કોરોનાના નવા વેરિઅન્ટ્સના ફેલાવા અંગે અમેરિકા ચિંતિત છે. ચીનમાં જે રોગચાળો ફેલાયો છે તેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થશે, કારણ કે અનેક સ્તરે ચીન સાથે અંતર કરવું પડી રહ્યું છે.