વોશિંગ્ટનઃ અમેરિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઇડનને શનિવારે તેમના પાલતુ શ્વાન સાથે રમતી વખતે પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું, તેથી તેમને અનેક સપ્તાહ સુધી વોકિંગ બૂટ પહેરવાની જરૂર પડશે, એમ તેમના સીટી સ્કેન રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. 78 વર્ષીય બાઇડને રવિવારે મોટા ભાગનો સમય ડોક્ટરની ઓફિસમાં વિતાવ્યો હતો. તેમણે નેવાર્કમાં ડેલાવેર ઓર્થોપેડિક સ્પેશિયલિસ્ટને ત્યાં અને એ પછી સીટી સ્કેન સેન્ટરમાં વિતાવ્યો હતો. વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે બાઇડન જલદી સ્વસ્થ થઈ જાય એવી તેમણે પ્રાર્થના કરી હતી.
Get well soon! https://t.co/B0seiO84ld
— Donald J. Trump (@realDonaldTrump) November 30, 2020
બાઇડનના પ્રારંભિક એક્સ-રે રિપોર્ટમાં કોઈ ફ્રેક્ચર નહીં થયું હોવાનું માલૂમ પડ્યું હતું, પણ તેમને વધુ પરીક્ષણ માટે ઇમેજિંગ કાઢવા માટે સલાહ આપવામાં આવી હતી, એમ ડો. કેવિન ઓ’કોન્નોરે જણાવ્યું હતું. તેઓ 2009થી બાઇડનના પ્રાથમિક સારવાર માટેના ફિઝિશિયન છે. એ પછી સીટી સ્કેન રિપોર્ટમાં તેમને અત્યંત બારીક ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી, એમ ડોક્ટરે કહ્યું હતું.
વ્હાઇટ હાઉસના પત્રકારોએ વિલમિંગ્ટન, ડેલાવેરમાં કહ્યું હતું કે બાઇડન પત્રકારો અને દર્શકો દ્વારા લહેરાવવામાં આવેલા ઝંડાઓને કારણે દેખાતા નહોતા. બાઇડન ગયા શનિવારે એમના બે પાલતુ કૂતરામાંથી એક મેજર સાથે રમતા હતા, ત્યારે ઘાયલ થયા હતા. મેજર બાઇડનના પરિવારમાં 2018માં સામેલ થયો હતો અને બીજો કૂતરો ચેમ્પ 2008માં સામેલ થયો હતો. જાન્યુઆરીમાં પ્રમુખ તરીકે શપથ લીધા બાદ બાઇડન વ્હાઇટ હાઉસમાં રહેવા જશે ત્યારે મેજર અને ચેમ્પ, બંને શ્વાન પણ એમની સાથે જશે. તેઓ એક બિલાડીને પણ પાળવાના છે એવું કહેવાય છે.