ભારતમાં કિસાન આંદોલનને કેનેડિયન-PM ટ્રુડો દ્વારા ટેકો જાહેર

ટોરન્ટોઃ ત્રણ કૃષિ કાયદા સામે હાલ પ્રચંડ વિરોધ-દેખાવો કરી રહેલા ભારતના કિસાનોને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આજે પોતાનો ટેકો જાહેર કર્યો છે. શીખ સંપ્રદાયના સંસ્થાપક ગુરુ નાનકની 551મી જન્મજયંતિના પર્વ ‘ગુરુપુરબ’ નિમિત્તે કેનેડામાં વસતા શીખ સમુદાયનાં લોકો સાથેની વાતચીત દરમિયાન ટ્રુડોએ ભારતમાં હાલ ચાલી રહેલા કિસાન આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો.

વાતચીતના આરંભમાં જ એમણે કહ્યું હતું કે, હું મારા સંબોધનની શરૂઆત ભારતમાં કિસાનો દ્વારા કરાતા આંદોલનના સમાચારનો ઉલ્લેખ કર્યા વગર નહીં કરું. ભારતમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. અમે પરિવાર તથા મિત્રો વિશે ખૂબ જ ચિંતિત છીએ. અમે જાણીએ છીએ કે તમારામાંના ઘણાની આ જ ચિંતા હશે. હું તમને જણાવી દઉં કે કેનેડા કાયમ શાંતિપૂર્ણ દેખાવકારોના અધિકારોના જતનને ટેકો આપશે. અમે વાટાઘાટની પ્રક્રિયામાં માનીએ છીએ. અમે ભારતીય સત્તાવાળાઓને વિવિધ માર્ગો દ્વારા અમારી ચિંતા જણાવી દીધી છે. આ સમય આપણે સૌએ એકત્રિત થવાનો છે.

જુઓ જસ્ટિન ટ્રુડોના સંબોધનનો વિડિયો, જે 30 નવેમ્બરની સાંજનો છે, જ્યારે ભારતમાં 1 ડિસેમ્બર તારીખ થઈ ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં શીખ સમુદાયનાં અનેક લોકો વસે છે અને ત્યાંના આર્થિક વિકાસમાં તથા રાજકારણમાં આગળ પડતી ભૂમિકા ધરાવે છે.