નવી દિલ્હીઃ અમેરિકાની એનર્જી કંપની વેસ્ટિંગહાઉસ દેશનની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે છ ન્યુક્લિયર રિએક્ટર્સ બનાવવા માટે એક નવા કરાર પર હસ્તાક્ષર કરે એવી વકી છે. સત્તાવાર સૂત્રો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા સપ્તાહે થનારા ભારત પ્રવાસ દરમ્યાન આ કરાર પર દસકત થવાની સંભાવના છે. કરાર આંધ્ર પ્રદેશના કોવ્વાડામાં રિએક્ટર્સના નિર્માણ માટે સ્થાનિક કન્સ્ટ્રક્ટરની પસંદગી, સમયમર્યાદા અને ભારતની ન્યુક્લિયર લાયાબિલિટી લો અંગેની ચિંતાઓ પર વાટાઘાટ થાય એવી શક્યતા છે. અમેરિકા વર્ષ 2008ની સિવિલ ન્યુક્લિયર એનર્જી સંધિ હેઠળ વીજખાધ ધરાવતા ભારત સાથે વિચારવિમર્શ કરે એવી સંભાવના છે. પાછલા વર્ષે બંને સરકારોએ જાહેરાત કરી હતી કે એ છ રિએક્ટર્સની સ્થાપના માટે પ્રતિબદ્ધ છે.
પાછલા સપ્તાહે ભારતમાં ન્યુક્લિયરની નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરવા યુએસ એનર્જી અને કોમર્સ ડિપાર્ટમેન્ટ્સ, વેસ્ટિંગહાઉસ, ધ યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા.અમે વેસ્ટિંગહાઉસ અને NPCILને MoU હસ્તાક્ષર કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, એમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં ન્યુક્લિયર એનર્જી ઓફિસના આસ્ટિસ્ટન્ટ સેક્રેટરી ડો. રીતા બરાનવાલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે આ MoU માટે ઘણા આશાવાદી છીએ.