નવી દિલ્હીઃ કોરોના રોગચાળાનો અંત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે આ વાતે વિચારવિમર્શ શરૂ કરી દીધો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. WHOએ કહ્યું હતું કે કોવિડ19 પર આંતરરાષ્ટ્રીય આરોગ્ય વિનિયમે ઇમર્જન્સી સમિતિ રોગચાળાને ખતમ ઘોષિત કરવા માટે જરૂરી માપદંડોની તપાસ કરી રહી છે.
જોકે રોગચાળાના અંતની ઘોષણા તત્કાળ કરવા વિશે હાલમાં કોઈ વિચાર નથી કરવામાં આવતો, એમ WHOએ કહ્યું હતું. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2503 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની સરખામણીએ 19.6 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં સક્રિય કેસો 40,000ની નીચે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 27 લોકોનાં મોત થયાં છે.રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 180.19 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,93,494 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
ચીનમાં કોરોના રોગચાળો ફરી એક વાર માથું ઊંચકી રહ્યો છે. ચીનમાં રવિવારે આશરે બે વર્ષ પછી પહેલી વાર 3300થી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. જેથી ચીને કેટલાંક શહેરોમાં લોકોને બહાર નીકળવાની મનાઈ ફરમાવી હતી. કેટલાંય શહેરોમાં લોકડાઉન લગાવી દીધું હતું. શેનઝેન શહેરમાં લોકડાઉન પછી 1.7 કરોડ લોકો ઘરોમાં કેદ થયાં હતાં.
બીજી બાજુ, હોંગકોંગમાં કોરોનાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. અધિકારીઓએ કોવિડ19ના 27,647 નવા કેસો નોંધાયા છે અને 87 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી અહીં 3729 લોકોનાં મોત થયાં છે. વિયેતનામ વિશ્વનો બીજો એવો દેશ છે, જ્યાં એક સપ્તાહમાં કોરોનાના 14 લાખથી વધુ કેસો નોંધાયા હતા.